Entertainment

સાચા દેશભક્ત પીઢ અભિનેતા મનોજકુમારનું નિધન, અંતિમ સંસ્કાર આવતીકાલે..

પીઢ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. આજે શુક્રવાર તા. 4 એપ્રિલ 2025ના રોજ સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પુત્ર કુણાલ ગોસ્વામીએ કહ્યું કે તેના પિતાએ શાંતિથી દુનિયાને અલવિદા કહી દીધું છે. મનોજ કુમાર લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા અને 21 ફેબ્રુઆરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • દેશભક્તિના પાત્રો ભજવવા માટે “ભરત કુમાર” તરીકે જાણીતા મનોજ કુમારે 4 એપ્રિલ, 2025 ના રોજ સવારે 4:03 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
  • કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ પુષ્ટિ આપી કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે વિલે પાર્લેમાં નાણાવટી હોસ્પિટલની સામે પવન હંસ ખાતે કરવામાં આવશે

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. રૂપેરી પડદા પર ‘ભરત કુમાર’ તરીકે પ્રખ્યાત આ અભિનેતાએ શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે તેમના પિતા લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. છેલ્લી ઘડીએ તેમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં અને તેમણે શાંતિથી દુનિયાને અલવિદા કહ્યું.

પુત્રએ જણાવ્યું કે મનોજ કુમારના અંતિમ સંસ્કાર શનિવાર 5 એપ્રિલના રોજ કરવામાં આવશે. મનોજ કુમાર લાંબા સમયથી ડિકમ્પેન્સેટેડ લિવર સિરોસિસથી પીડાતા હતા. 21 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મનોજ કુમારને તેમના ફિલ્મી કરિયરમાં 7 વાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને 1992માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 2016માં તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઉપકાર’, ‘પૂર્વ-પશ્ચિમ’, ‘ક્રાંતિ’ અને ‘રોટી-કપડા’ જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મીડિયા સાથે વાત કરતા કૃણાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના હૃદયસ્પર્શી ટ્વીટ માટે આભાર માન્યો, તેમણે કહ્યું, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તેમના ટ્વીટ માટે આભાર માનું છું… પછી ભલે તે ઉપકાર હોય, પૂર્વા ઔર પશ્ચિમ હોય કે રોટી કપડા ઔર મકાન હોય, આ ફિલ્મો આજે પણ પ્રાસંગિક છે. તેમણે ઉઠાવેલા મુદ્દાઓ આજે પણ પ્રાસંગિક છે, પછી ભલે તે સંસદમાં હોય કે સમાજમાં…”

Most Popular

To Top