સુરત : વેસુના (Vesu) સોમેશ્વરા સ્કવેરમાં આવેલી યુનિક સિક્યુરીટી એજન્સીના (Security Agency) માલિકને લખનઉની થર્ટ પાર્ટી પેરોલ સર્વિસમાં 7 ટકા વળતરની લાલચ આપી છેતરપિંડી (Fraud) કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વેસુ પોલીસ (Police) મથકમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ગાર્ડસના એકાઉન્ટમાં 6.39 લાખ રૂપિયા લઇને મેનેજર તથા અન્ય બે ઇસમો છૂ થઇ ગયા હતા. રાતોરાત ભુગર્ભમાં ઉતરી જનાર પોતાની એજન્સીના મેનેજર સહિત બે વિરૂધ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાઇ છે.
7 ટકા વળતર મળશે તેવી લાલચ આપી હતી
સુશિલ અવધબિહારી પાંડે (ઉ.વ. 44 રહે. સર્વોદ નગર સોસાયટી, પાંડેસરા) નો વર્ષ 2019 માં સિસા સિક્યુરીટીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા નવીન ત્રિપાઠી સાથે પરિચય થયો હતો. વેસુના સોમેશ્વરા સ્કવેરમાં યુનિક સિક્યુરીટી એજન્સીમાં આ લોકો કામ કરે છે. જાન્યુઆરી 2022 માં સિસા સિક્યુરીટીમાંથી નોકરી છોડી બી.આઇ.જી.એસ સિક્યુરીટીમાં મેનેજર તરીકે નોકરીમાં જોડાયેલા નવીને પડોશી મિત્ર નારાયણસીંગને સુશિલની એજન્સીમાં મેનેજર તરીકે નોકરી પર રખાવ્યો હતો. દરમિયાનમાં નવીન અને નારાયણે લખનઉના બી.એલ રોડની કે.એલ. ગુપ્તા ગોવિંદમ એસોસિએશનનો થર્ડ પાર્ટી પે-રોલ કોન્ટ્રાક્ટ અને સર્વિસ ચાર્જ પેટે 7 ટકા વળતર મળશે તેવી લાલચ આપી હતી.
અન્ય બે ઇસમો રાતોરાત ભુગર્ભમાં ઉતરી ગયા
જેથી લાલચમાં આવી સુશિલે ગોવિંદમ એસોસિએશન દ્વારા મોકલાવેલા 30 ગાર્ડસની યાદી મુજબ તેઓના બેંક એકાઉન્ટમાં જીએસટી અને સર્વિસ ચાર્જ સહિત કુલ રૂ. 6.39 લાખ ડિપોઝીટ કર્યા હતા. આ રકમની સુશિલે ઉઘરાણી કરતા નારાયણસીંગ નોકરી છોડી દીધી હતી અને નવીન સાથે મળી બંને જણા ભુગર્ભમાં ઉતરી ગયા હતા. સુશિલે નવીનની શોધખોળ કરતા તેણે અન્ય એજન્સી સાથે પણ પાંચ લાખની ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું.