SURAT

સુપ્રિમ કોર્ટથી ઉપર કોઈ નહીં, સુરતના બિલ્ડરને કસ્ટડીમાં ટોર્ચર કરનાર વેસુ પીઆઈ આખરે સસ્પેન્ડ

સુરત(Surat): સુપ્રિમ કોર્ટ (SupremeCourt) દ્વારા જામીન (Bail) આપી દેવાયા બાદ પણ સુરતના બિલ્ડરને ગેરકાયદે રીતે કસ્ટડીમાં (Custody) રાખી માર મારી ટોર્ચર કરી રૂપિયા દોઢ કરોડની માંગણી કરનાર પીઆઈને આખરે સસ્પેન્ડ (Suspend) કરી દેવાયા છે. સુપ્રિમ કોર્ટની ફટકાર બાદ સુરતના પોલીસ કમિશનર અજય તોમરે (CPSuratAjayTomar) આજે વેસુ પીઆઈ આર.વાય. રાવલને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના બિલ્ડર તુષાર શાહને આર્થિક છેતરપિંડીની ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ કેસમાં સુપ્રિમ કોર્ટે ગઈ તા. 8મી ડિસેમ્બરના રોજ વેપારીને આગોતરા જામીન આપ્યા હતા. જેના 4 દિવસ બાદ સુરત પોલીસે નીચલી અદાલતમાં તુષાર શાહના રિમાન્ડ માંગ્યા હતા.

પોલીસની માંગણી પર ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે 13 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજુર કરી દીધા હતા. જેને પગલે બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમમદ અસલમે સમગ્ર મામલે સુપ્રિમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદે 1.6 કરોડ રૂપિયા પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાની ફરિયાદ કરી હતી.

સુપ્રિમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાનમાં મુકવામાં આવ્યું હતું. તેથી સર્વોચ્ચ અદાલતે રાજ્યના અધિક સચિવ કમલ દયાણી, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ આર વાય રાવલ અને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના આદેશથી ઉપરવટ જવા મામલે નોટીસ ઇસ્યુ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ન આપતા કોર્ટે ગુસ્સે ભરાઈ
સુપ્રિમ કોર્ટે આ મામલે સુરતના જે પોલીસ સ્ટેશનમાં તુષાર શાહને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ અદાલતમાં જમા કરવાનો પણ આદેશ આપ્યો હતો પરંતુ પોલીસ તંત્રએ સીસીટીવી કેમેરા તે સમયે કાર્યરત ન હતા તેવો જવાબ આપ્યો હતો, તેથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી અને સખ્ત શબ્દોમાં પૂછ્યું હતું કે, એ ચાર દિવસ જ કેમ સીસીટીવી કેમેરા બંધ હતા?

અદાલતે નોંધ્યું હતું કે, સીસીટીવી કેમરા આ ચાર દિવસમાં જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યા હતા. અદાલતે પોલીસને ટકોર કરતા કહ્યું છે કે, તમારે સીસીટીવી બંધ શા માટે હતા તે બાબતે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે. કોર્ટે આ મામલે અવમાનનાની નોટીસ ઇસ્યુ કરી હતી.

શું છે સમગ્ર મામલો?
આર્થિક છેતરપિંડીના આરોપી બિલ્ડર તુષાર શાહના વકીલ ઇકબાલ સૈયદ અને મોહમમદ અસલમે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટને તેમના અરજદારને કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવા અને ગેરકાયદે 1.6 કરોડ પડાવવા સુરત પોલીસે આ પગલું ભર્યાનું જણાવ્યું છે. જેના માટે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેવું અદાલતના ધ્યાનમાં મુકવામાં આવ્યું હતું.

Most Popular

To Top