જુગોસ્લો વેન્સ્કી એરો ટ્રાન્સપોર્ટ પર એરવેઝ (હવે નામ શેષ)ના ફલાઇટ 367ના સ્ટોક હોમ કોપન હેગન અને ઝાગ્રેબ બેલ્ગ્રેડ વિમાને (Airplane) તા. 25મી જાન્યુઆરી, 1972ના રોજ ડેન્માર્કમાં (Denmark) ઉતરાણ કર્યું ત્યારે વેસ્ના (Vesna) વુલો વિચ રોમાંચિત થઇ ગઇ હતી. તેણે ફલાઇટ એટેન્ડન્ટની નોકરી એટલા માટે સ્વીકારી હતી કે તેને દુનિયામાં નવું નવું જોવા-જાણવાનો રસ હતો. ખરેખર તો તેણે ફલાઇટ 367માં ફરજ પર જવાનું જ નહોતું પણ વેસ્ના નામની બીજી એક ફલાઇટ એટેન્ડન્ટની નોકરી હતી પણ નામ સરખા હોવાથી ગરબડ થઇ ગઇ અને વેસ્ના વુલોવિચ તૈયાર થઇ ગઇ. તેને પહેલીવાર ડેન્માર્ક જવાનો ઉમંગ હતો.
તા. 26મી જાન્યુઆરી, 1972 સ્થાનિક સમય મુજબ બપોરે 1.30 કલાકે સ્ટોક હોમથી મેકડોનેલ ડગ્લાસ- ડી.સી. 9 પ્રકારનું વિમાન ઉપડયું અને બપોરે 2.30 કલાકે કોપનહેગન આવ્યું અને ત્યાંથી વેસ્ના અને સાથીદાર વિમાનની ફરજમાં જોડાઇ ગયા. પણ તે પહેલા વિમાનમાંથી બહાર આવેલા ઉતારુઓમાંથી એક ખાસ્સો ચીડાયો હોય એવું લાગ્યું એટલે વેસ્ના અને તેના સાથી કર્મચારીઓ એકબીજા સામે મલકાયા પણ ખરા… બપોરે 3.15 કલાકે કોપનહેગનથી ઉપડેલું વિમાન ગાઢ વનરાજીથી અને બરફથી ઢંકાયેલા પહાડી વિસ્તારમાંથી પસાર થતું હતું. બપોરે 4.01 મિનિટ થઇ અને વિમાનના સામાન રાખવાના ખંડમાં એક પ્રચંડ ધડાકો થયો અને વિમાનના વચ્ચેથી બે ફાડચા થઇ ગયા. આગલો ભાગ- મહોરું અને પાછલા ભાગે પૂંછડી આકાશમાં દૂર દૂર ફંગોળાઇ ગયા.
ધડાકો થતાં ચાલક કર્મચારીઓ અને ઉતારુઓ સમેત 27 દેહો આકાશમાં ફંગોળાયા પણ વેસ્ના?! નાસ્તા-પાણીની લારી લઇને તે વિમાનમાં ફરતી હશે તે લારી બે સીટ વચ્ચે ફસાઇ ગઇ અને સાથે વેસ્ના પણ!! ઘટના સમયે તેના લોહીનું દબાણ સંભવત: ઓછું થઇ ગયું હશે તે વિમાનમાં ધડાકા સાથે હવાનું દબાણ ઘટવા છતાં તેનું હૃદય ફાટી નહીં પડયું અને વિમાનના મહોરા સાથે તે આકાશમાંથી જમીન પર આવવા માંડી. પેરેશુટ વગર તે 33330 ફૂટ (10160 મીટર- 6.31 માઇલ)ની ઉંચાઇએથી જમીન પર આવતી રહી પણ કુદરતનો ખેલ તો જૂઓ! નીચે ગાઢ જંગલ હતું અને બરફ આચ્છાદિત પહાડ હતા.
વિમાનનો કાટમાળ પડયો તે એવી રીતે ત્રાંસો પડયો કે વનરાજી અને બરફ પરનો પછડાટ થોડો ગાદી જેવો લાગ્યો અને જમીન પર પછડાવાની સાથે વેસ્નાના પ્રાણ નીકળી જવા જોઇએ તેને બદલે કાટમાળમાં વેદનાથી કણસતી રહી અને ચીસો પાડતી હતી. વેસ્નાનું નસીબ પણ જોર કરતું હશે તે બ્રુનો હોંક નામનો એક ગામડિયો ત્યાંથી પસાર થતો હતો અને તેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિમાની અકસ્માતમાં બચાવ કાર્યની તાલીમ લીધી હતી. કાટમાળની વચ્ચે તેને આસ્માની યુનિફોર્મમાં લોહી નીંગળતી હાલતમાં વેસ્ના દેખાઇ, વેસ્નાની ત્રણ ઇંચ અણીદાર સ્ટીલેટો હીલના સેંડલમાં એડી તૂટી ગઇ હતી. હોંકે તેને જીવન રક્ષક સારવાર આપી મદદ આવે ત્યાં સુધી જીવતી રાખી પણ વેસ્ના કોમામાં ચાલી ગઇ. તેની ખોપરીનાં હાડકાં ભાંગી ગયા હતા અને નસ ફાટી ગઇ હતી. તેના પગ ભાંગી ગયા હતા અને એક મણકો દેખીતી રીતે ભૂકો ભઇ ગયો હતો. પેઢુમાં હાડકાં તૂટી ગયા હતા. પાંસળીઓ પણ ઘણે ઠેકાણે તૂટી ગઇ હતી અને કમરની નીચે લકવો થઇ ગયો હતો.
તે ભાનમાં આવી ત્યારે તેને દુર્ઘટનાની વિસ્મૃતિ થઇ ગઇ. તેને અખબારી અહેવાલ બતાવાયા ત્યારે તે પાછી બેભાન થઇ ગઇ. એક મહિના પછી તેના મા-બાપને તેની ખબર લેવા આવવાની રજા મળી અને તા. 12મી માર્ચ સુધી તે પ્રાગની એક હોસ્પિટલમાં રહી. યુગોસ્લાવિયા જતાં વિમાનમા તેને પાછી મોકલાઇ ત્યારે સંમોહન ઇંજેકશનથી ઊંઘમાં મુકવી પડી. બોંબ મૂકનાર તેને મારી નાંખે એ બીકે તેને ચોવીસ કલાકનું પોલીસ રક્ષણ અપાતું હતું. જૂન 1972 સુધીમાં તેની તબિયત ઘણી સુધારા પર આવી અને તે ધીમે ધીમે ચાલતી થઇ. વેસ્નાના સારવારના ખર્ચને પહોંચી વળવા તેના માતા પિતાએ બે મોટર કાર વેચી નાંખવી પડી. 16 મહિને તે નિયમિત રીતે હરતીફરતી થઇ. તે કહેતી કે સર્બિયન બાંધો અને ચોકલેટ, માસ અને માછલીના તેલનો ખોરાક હું બાળપણમાં ખાતી. તેણે મને મારી ઉંમરના 22મા વર્ષે જવાબ આપ્યો. વેસ્નાની આ ઘટનાની ગિનેઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઇ છે કે સૌથી વધુ ઊંચાઇએથી પડવા છતાં વેસ્ના બચી ગઇ હતી.
વેસ્ના એ પૂર્વવત્ જિંદગી જીવવા માટે પાછી વિમાની પરિચારિકા તરીકેની ફરજ માંગી પણ કંપનીએ તેને ભૂમિ પરની જ કામગીરી સોંપી. વેસ્નાના જીવન પરથી ફિલ્મ અને TV કાર્યક્રમો પણ ઘડાયા. 1977માં નિકોલા બ્રુકા સાથે તેણે લગ્ન કર્યા અને 1990 પછી ફારગતિ પણ આપી દીધી. 1990ના દાયકામાં યુગોસ્લાવિયાનું વિભાજન થયું તે વખતની લોકશાહી ચળવળમાં પણ વેસ્નાએ અગ્રેસર ભાગ લીધો હતો પણ સરકાર નકારાત્મક પ્રચાર થવાની બીકે તેની ધરપકડ કરવાનું ટાળતી હતી. દુર્ઘટનાને કારણે માતૃત્વ પામવાની ક્ષમતા ગુમાવી બેઠેલી વેસ્ના ‘કોલ્ડ વોર હીરોઇન’ તરીકે વિખ્યાત થઇ ગઇ પણ વેસ્નાને તો પોતે આ દુર્ઘટનામાંથી બચી જવા બદલ અપરાધ ભાવ જ લાગતો હતો…