Columns

બહુ પાતળો ફરક

એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન તમારી કમજોરી..’ આ વાત કરી ગુરુજીએ પૂછ્યું, ‘આ સ્વાભિમાન અને અભિમાન વચ્ચે માત્ર એક શબ્દનો ફરક છે અને મોટે ભાગે લોકો સ્વાભિમાનનું ઓઠું લઈને સ્વ પરનું અભિમાન જાહેર કરતાં હોય છે.આ અભિમાન અને સ્વાભિમાન વચ્ચેનો ફરક બધાએ સમજવા જેવો છે.નહિ તો તમે બધા પણ સ્વાભિમાનની વાતો કરતાં કયારે અભિમાનના શિકાર થઇ જશો તેની તમને પોતાને ખબર નહિ પડે.’

એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, આ સ્વાભિમાન અને અભિમાન વચ્ચેનો એક અક્ષરનો ફરક કઈ રીતે સમજવો? મોટે ભાગે એવું બને છે કે આપણને સામેવાળી વ્યક્તિ અભિમાની લાગે છે અને તે કહે છે હું તો મારું સ્વાભિમાન જાળવવા આમ કરું છું.અને ઘણી વાર આપણે સ્વાભિમાનને કારણે કોઈ પગલું લઈએ છીએ અને અન્ય તેને અભિમાન સમજી આપણાથી નારાજ થઈ જાય છે.ગુરુજી કૃપા કરી આ ફરક સમજાવો.’

ગુરુજી બોલ્યા, ‘જેમ તમને બધાને જ ખબર છે કે સ્વાભિમાન અને અભિમાન વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.અભિમાન કરવા માટે કોઈ સાથે સરખામણી કરવી પડે છે.જયારે સ્વાભિમાન કરવા માટે માત્ર જાત પર વિશ્વાસ હોવો જરૂરી છે.

દા.ત. તમારામાંથી કોઈ શિષ્ય કહે કે ‘ગુરુજીએ આજે ભણાવેલા બધા પાઠ મને બરાબર આવડી ગયા છે તો તે તેનો જાત પર વિશ્વાસ છે અને તે આગળ કહે જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછો તે તેનો આત્મવિશ્વાસ છે, અભિમાન નહિ’.પરંતુ જો કોઈ શિષ્ય એમ કહે કે ‘ગુરુજીએ આજે ભણાવેલા બધા પાઠ માત્ર મને જ બરાબર આવડી ગયા છે, બીજા કોઈને નહિ, આ સરખામણીમાં તેનું અભિમાન છે અને જો તે એમ કહે બધા જવાબ માત્ર મને આવડશે, બીજા કોઈને નહિ તો તે અભિમાનનો શિકાર છે.અભિમાન અને સ્વાભિમાનમાં ફરક છે.

‘માત્ર હું’ નો મને આવડે છે…મને ખબર પડે છે …માત્ર હું જ જાણું છું ..બીજું કોઈ નહિ આ અભિમાન છે.આ અભિમાનમાં કોઈ સાથેની સરખામણી છે અને તે સરખામણીમાં માત્ર ‘હું’ ને જ સર્વસ્વ ગણીને અન્યનું સન્માન ન કરવાની વાત છે.અભિમાન સાબિત કરે છે કે તમને અન્ય કોઈ પ્રત્યે માન નથી અને એટલે વાસ્તવમાં તમારું માન ઓછું થાય છે.

અભિમાન ક્યારેય ન કરવું જોઈએ અને સ્વાભિમાન હંમેશા જાળવવું જોઈએ. પોતાનું અને અન્યનું પણ ….પરંતુ લોકો હંમેશા અભિમાન કરે છે અને સ્વાભિમાન જાળવતા નથી.એટલે જ હું તમને આ ફરક સમજાવી ઈચ્છું છું કે તમે હંમેશા જાગૃત રહો અને કોઈ સરખામણી કરી અભિમાન ન કરો.’ ગુરુજીએ સુંદર સમજ આપી.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top