ભરૂચઃ ગુજરાતના માથે એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતના ભરૂચના વાલિયામાં વાદળ ફાટયું હોય તેવો વરસાદ વરસ્યો હતો. અહીં 14 કલાકમાં 12 ઈંચ વરસાદ વરસતા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. નદી નાળાં છલકાયા હતા. વાલિયાનું ડહેલી ગામ વરસાદી પાણીમાં ડૂબી ગયું છે. લોકો પોતાના ઘરમાં કેદ થયા છે.
હવામાન વિભાગે સુરત અને ભરૂચ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત જિલ્લાના પણ અનેક ગામોમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અહીંના માંગરોળ તાલુકામાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે. તેથી માંગરોળના મોસાલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. મોસાલીના રાઠોડ અને લીમડી ફળિયા વિખુટા પડી ગયા છે. અહીંથી પસાર થતી ટોકળી નદી અને ભૂખી નદી બે કાંઠે થઈ છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
આજે મંગળવારે તા. 9 સપ્ટેમ્બરની સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના વાલિયામાં 5.98 ઈંચ વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત ભરૂચના નેત્રંગમાં પણ 4.96 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડામાં 3.94, પલસાણામાં 2.95, માંગરોળમાં 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડમાં 3.78 ઈંચ, વાપીમાં 2.95 ઈંચ, પારડીમાં 2.32 ઈંચ અને નવસારીના ખેરગામમાં 2.28 ઈંચ વરસાદ ખાબક્યો છે.
11મી સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના
ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. 6 સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
ચોથી સપ્ટેમ્બરઃ ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ
પાંચમી સપ્ટેમ્બરઃ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
પૂર્ણા નદીના વધેલા સ્તરને કારણે સુરત જિલ્લાના મહુવાના ચાર ગામમાંથી 216નું સ્થળાંતર
પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર લો પ્રેસર સિસ્ટમ છે. જેને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત ઉપર તેની અસર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાને બાદ કરતા બધે વરસાદ નોંધાયો છે. માંગરોળ અને ઉમરપાડામાં 15 મીમી, માંડવીમાં 65 મીમી, કામરેજમાં 26 મીમી, સુરતમાં 7 મીમી, ચોર્યાસીમાં 8 મીમી, પલસાણામાં 24 મીમી, બારડોલીમાં 52 મીમી અને મહુવામાં 48 મીમી વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહુવામાંથી પસાર થતી પૂર્ણા તથા ઓલણ નદીનું જળસ્તર વધી તકેદારીના ભાગરૂપે જતા ચાર ગામોના ૨૧૬ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં પુર્ણા નદીકિનારે આવેલા મહુવાના ૭૮ તથા મિયાપુરના ૪૭, ઓલણ નદીના કાંઠે આવેલા ભોરીયા ગામના ૮૪ તથા ભગવાનપુરાના ૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ભારે વરસાદના કારણે જિલ્લાના બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના 17 રસ્તાઓ બંધ કરાયા
સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૭ રસ્તાઓ પાણીના ઓવર ટોપીંગના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં બારડોલી તાલુકાના ૬, મહુવાના ૭ અને માંડવીના ૪ રસ્તાઓનો સમાવેશ થાય છે.
બંધ કરાયેલા રસ્તાઓમાં બારડોલીના જૂની કિકવાડ ગભેણી ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઈનીંગ સામપુરા રોડ, ખરડ એપ્રોચ રોડ, સૂરાલી કોતમુંડા થી બિલ્ધા રોડ, સુરાલી સવિન જકાભાઇના ઘરથી ધારિયા કૉઝવે રોડ, સુરાલી ધારિયા રોડ અને મહુવા તાલુકામાં મહુવારિયા કાકરીમોરા રોડ, મહુવારીયા લીમડી ફળિયા રોડ, આંગલધરા પારસી ફળિયા રોડ, કોષ ખાખરી ફળિયા થી ચઢાવ રોડ, માછી સાદડા એપ્રોચ રોડ અને મહુવા ઓંડચ આમચક કાવિઠા નિહાલી રોડ અને માંડવી તાલુકાના મોરિઠા કાલીબેલ રેગામા રોડ, દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, ઉમરસાડી ખરોલી રોડ, ગોડાસંબા કરવલ્લી ટિટોઈ સાલૈયા અને વલારગઢ રોડ આમ બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના મળી ૧૭ રસ્તાઓ હાલ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી બંધ કરવામાં આવ્યા છે.