બિહાર રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં, ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ચકાસણીનું અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૬૫ લાખથી વધુ શંકાસ્પદ કે મૃત્યુ પામેલા લોકોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. વિરોધપક્ષો આને ભાજપનું કાવતરું ગણાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આટલા મોટા પાયે ખોટા નામ યાદીમાં હોવા એ બિહારના રાજકીય અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. મતદાર યાદીની આટલા વર્ષો સુધી ચકાસણી ન થવી એ લોકશાહી પ્રક્રિયા માટે એક મોટો ખતરો છે.
વિરોધ પક્ષોનો આરોપ છે કે આ ગરીબોના મતાધિકાર છીનવવાનો પ્રયાસ છે, પરંતુ સાચા મતદારોને ઓળખીને યાદીને ભૂલરહિત બનાવવી એ લોકશાહીને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે. ઈવીએમમાં ગડબડના વારંવારના આરોપો વચ્ચે, એક સ્પષ્ટ અને સચોટ મતદાર યાદી હોવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે પણ ૬૫ લાખ નામોની વિગતો માંગી છે. જોકે, વિરોધ પક્ષના નેતાઓ શંકાઓ ઊભી કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મતદાર યાદીની ચકાસણીના આ અભિયાનથી વર્ષોથી ચાલતી આવેલી અનેક ખામીઓ બહાર આવવાની શક્યતા છે, અને આ પ્રક્રિયા બિહાર માટે એક નવા અને સુધારાવાદી યુગની શરૂઆત કરી શકે છે. આ સ્વસ્થ લોકશાહી માટે એક આવકારદાયક પગલું છે.
ઉમરગામ, વલસાડ- નિખિલ દરજી