ગીર સોમનાથ: ગુજરાતમાં (Gujarat) એક પછી એક સ્ત્રીઓ સાથેના અનેક હુમલાઓ (Attack) સામે આવી રહયા છે. સુરત અને ગાંધીનગર બાદ હવે ગીર સોમનાથના વેરાવળમાં પણ એવી જ એક ઘટના બની છે. વેરાવળના પોશ વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને યુવતી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેમજ ઘટના સ્થળે એસિડની બોટલ (Acid Bottle) પણ મળી આવી હતી. ઘાયલ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ યુવતીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વેરાવળના પોશ વિસ્તારની ટાગોર-2 સોસાયટીમાં આવેલા મકાનમાં આ ઘટના બની હતી. યુવતી અમદાવાદમાં એમકોમનો અભ્યાસ કરતી હતી. જો કે રજા હોવાથી તે ઘરે આવી હતી. મળતી માહિતી અનુસાર ઘરમાં યુવતી એકલી હતી. તે દરમિયાન સોમવાર સાંજે અજાણ્યો યુવક રૂમાલ બાંધીને હાથમાં ચપ્પુ અને એસિડ લઈને જબરજસ્તી ઘરમાં ઘૂસ્યો હતો. યુવતીને કંઈ સમજ પડે તે પહેલા જ યુવકે તેની પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ છરીના ત્રણ ઘા મારતા લોહીના ફુવારા ઉડ્યા હતા. જોકે સદનસીબે એજ સમયે યુવતીની નાની બહેન આવી ગઇ હતી. જેથી આ યુવાન ડરીને નાની બેનને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા પાડોશીઓ ભેગા થયા હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને ઝડપી લીધો છે. આ ઘટના પાછળ પ્રેમસંબંધ કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ હુમલો કરનાર આરોપી યશ બિપિનભાઈ કારીયા અને યુવતી છેલ્લા કેટલાક વર્ષથી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા. જો કે તેમના પ્રેમ સંબંધમાં અણબનાવ થતા ઉશ્કેરાટમાં આવી યુવકે યુવતી પર હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું છે. યુવતીએ બચાવ માટે બૂમો પાડતા તરત આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપી એસિડ એટેકના ઈરાદે ઘૂસ્યો હતો. તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેથી ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તુરંત જ હુમલાખોર યુવકને ઝડપી પકડવા માટે નિષ્ણાતોની ટીમને ગતિમાન કર્યા હતા. પોલીસે ખૂબ જ ઓછા સમયગાળામાં આ હુમલાખોર યુવકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘરમાં જે સ્થળ પર યુવતી પર હુમલો થયો હતો. તે જ સ્થળેથી એક હથોડી અને એસિડની બોટલ પણ મળી આવતા આસપાસના લોકો તથા પોલીસ ચોંકી ઉઠી હતી. તેથી કહી શકાય કે હુમલાખોર પ્રેમી યુવતી પર એસિડ એટેક કરવાના ઈરાદા સાથે આવ્યો હતો. આ ઘટનામાં 22 વર્ષીય યુવતીને ગંભીર ઈજાઓ થઇ હતી. ત્યાર બાદ તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.