SURAT

વેન્ચુરા એરકનેક્ટે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા શરૂ કરી

સુરત (Surat): ગુજરાત રાજ્યની દુરંદેશી પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ (Ventura Airconnect) અને ગુજ્જેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા (Air Serivice) પૂરી પાડવામાં આવી છે.

કંપનીના અધિકારીઓ એ જણાવ્યું હતું કે આ સેવા શરૂ કરવા માટે કંપની દ્વારા 2 વિમાન ફાળવવામાં આવ્યા હતા. જો કે છેલ્લા 20 મહિનાથી અવિરત ચાલી રહેલી સેવામાં લોકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે કંપનીએ તાજેતરમાં એક વિમાન ખરીદયું છે. જે આજ રોજ ગુજરાતની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. જેની પ્રથમ ફ્લાઈટ આજે સુરત એરપોર્ટથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના વરદ હસ્તે શરુ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો આજથી જ આ નવા વિમાનમાં મુસાફરીનો આનંદ માણી શકશે અને વધુ સુવિધાયુક્ત તથા વધુ ઝડપથી પોતાના નિર્ધારિત સ્થાને પહોચી શકશે. આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા 1 જાન્યુ.2023 થી 9 સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી તથા સાંજના સમયે વધુ એક સુરતથી અમદાવાદ ઉડશે. આ 5 સેક્ટર પર દૈનિક ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આ પ્રકારના હવાઈ માર્ગ પર હવાઈ સેવા પૂરી પાડવા માટે દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક રાજ્યોમાં આ પ્રકારના પ્રોજેક્ટ અવિરતપણે ચાલી શકી નથી અથવા હજુ સુધી અમલમાં મુકવામાં આવ્યા નથી ત્યારે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમના કારણે અને વેન્ચુરા એરલાઇન્સની જનહિતના વિચારધારાને કારણે આપણા ગુજરાત રાજ્યમાં આ સેવા કોઈ પણ પ્રકારના અડચણ વિના વર્ષ 2016 થી અવિરતપણે ચાલી રહી છે જે નોંધનીય છે.

વેન્ચુરા દ્વારા ચલાવવામાં આવી રહેલી સેવામાં મુકેલા વિમાનોમાં 9 પેસેન્જર અને 2 પાઇલોટ સાથે ઉડાન ભરે છે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર 30 મિનિટમાં, સુરતથી અમરેલી 45 મિનિટમાં, સુરતથી અમદાવાદ 60 મિનિટમાં અને સુરતથી રાજકોટ 60 મિનિટમાં સફર પૂર્ણ થાય છે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થાય જ છે પરંતુ તેની સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થઇ રહ્યો છે જે વિશિષ્ટ નોંધનીય છે.

વધુમાં કહ્યું હતું કે, વેન્ચુરા એરલાઇન્સ કંપનીએ ખરીદેલ નવા વિમાન 2 પાયલોટ અને 9 પેસેન્જરની સાથે ઉડ્ડયન ભરશે અને અગાઉ ચલાવવામાં આવી રહેલ વિમાનો કરતા વધુ ઝડપી, વધુ સુવિધાજનક અને વધુ સુરક્ષિત છે તથા નવીન હોવાથી વધુ ટેકનોલોજી ધરાવે છે જેને અન્ય મોટા વિમાનોની માફક લાઇવ ટ્રેકિંગ પણ કરી શકાય છે.

આ વિમાન તાજેતરમાં જ વિદેશથી ખરીદીને ગુજરાત રાજ્યની જનતાની સેવા માટે સમર્પિત કરવામાં આવી રહ્યું છે અને જો લોકોની માંગ વધશે તો ભવિષ્યમાં હજુ નવા વિમાનનો ઉમેરો કરવામાં આવશે. સુરત એરપોર્ટ પર યોજવામાં આવેલા સમારોહમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ વિમાનને લીલી ઝંડી આપી સુરત શહેર અને ગુજરાત રાજ્યને સમર્પિત કર્યું હતું.

આ વિમાનો માં મુસાફરી કરતા લોકોના જણાવ્યા મુજબ વેન્ચુરા ના વિમાનો માં મોટા વિમાનો કરતા અલગ અનુભવ થાય છે, લોકો પોતાની સાથે પાઈલોટ ને વિમાન ચલાવતા જોઈ એક વિશિષ્ટ પ્રકાર નો આનંદ અનુભવતા હોવાનું જાણવા મળ્યું છે, અને આ વિમાનોમાં મુસાફરને વિન્ડોસીટ માટે કોઈ વધારાના પૈસા ચુકવવા પડતા નથી જેથી લોકો ઘણા સંતુષ્ટ જોવા મળે છે.

વેન્ચુરાના વિમાનમાં વૃધ્ધો, બાળકો, અને સામાન્ય વર્ગના યુવાનો જેને વિમાન માં ક્યારેય મુસાફરી નથી કરી તેવા લોકો એ પણ નજીવા દરે હવાઈ મુસાફરી નો આનંદ લીધો છે. હાલ ગુજરાત ની જનતા ગુજરાત સરકાર ના આ નિર્ણયથી ખુબજ પ્રસન્ન છે અને સાથે સાથે ગુજરાત ની જનતા દ્વારા આ 9 સીટ વાળા વિમાનો ની સેવા ને વધારવા ની પણ માંગણી કરવામાં આવી રહી છે.

વેન્ચુરા એરલાઇન્સના સવજીભાઈ ધોળકિયાના જણાવ્યા મુજબ જયારે બફેલો હીટની ઘટના બાદ સુરતથી કોઈ પણ એરલાઇન્સની સેવા મળતી ના હતી તેવા સમયે સુરતના ઉદ્યોગપતિઓએ કોઈ પણ પ્રકારની આર્થિક નુકસાનની પરવા કર્યા વિના સુરત શહેર માટે વેન્ચુરા એરલાઇન્સની શરૂઆત કરી એક વર્ષ 2014 માં બીજ વાવ્યું હતું જેના ફળ આજે સમગ્ર સુરત અને વિશ્વ જોઈ રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં લોકોના મુખે જાણવા મળ્યા મુજબ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિમાનમથક બની જશે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ નવા વિમાનનું નામ વેન્ચુરા એરલાઇન્સ દ્વારા VT-DEV રાખવામાં આવ્યું છે જે અંગે જણાવતા કંપનીના મેન્ટર અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે હંમેશા કોઈ પણ કામમાં ભગવાનને આગળ રાખીને ચાલવાના સિદ્ધાંતથી અમે અમારો સંપૂર્ણ કારોબાર ચલાવીએ છીએ અને આ વિમાનને અમે દેવ વિમાન (VT-DEV) તરીકે ઓળખાણ આપી છે અને આજે સુરતમાં દેવ વિમાને ઉડ્ડયન ભરી છે જે આગામી સમયમાં સુરતની પ્રગતિના નવા દ્વાર ખોલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમે સુરત એરપોર્ટના વિકાસ માટે 2014થી શરુ કરેલી એરલાઇન્સ અને નવા વિમાન થકી સુરત એરપોર્ટને વધુ કીર્તિ મળે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને દેવ વિમાનના પગલે સુરત એરપોર્ટ સંપૂર્ણ સક્ષમતાયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને એવી ભાવના રાખીએ છીએ.

સુરત શહેર હંમેશા નવા કીર્તિમાન સ્થાપિત કરવામાં અગ્રેસર હોય છે અને તમામ પ્રકારની આર્થિક, સામાજિક અને રાજકીય સક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત ખુબ જ નજીકના ભવિષ્યમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન બાદ સુરત વૈશ્વિક ફલક પર છવાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વેન્ચુરા એરલાઇન્સ દ્વારા ખુબ જ નજીવા ટીકીટના દરે સમગ્ર ગુજરાતમાં રોજીન્દી ફ્લાઈટ સેવા આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત વેન્ચુરા એરલાઇન્સની સેવાનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ સુરતથી પોતાના સમય મુજબ પોતાના નિર્ધારિત સ્થાને જવા માટે વેન્યુરા એરલાઇન્સની ચાર્ટર ફલાઈટ સેવાનો લાભ લઈને પણ પહોંચી શકશે અને ઈમરજન્સીના સમયે તથા કોર્પોરેટ મીટીંગો માટે સુરત અને ગુજરાતના લોકોને વિશિષ્ટ લાભ આપવામાં આવશે.

Most Popular

To Top