કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના વેલાછા ગામે રવિવારે રાત્રે લાલ કલરની ઇકો કાર સુરતમાંથી ચોરી કરીને તસ્કરો ગેસ કટર મશીન લઈ વેલાછા ગામે એટીએમ મશીન તોડવા પહોંચ્યા હતા. જ્યાં મશીન તોડી રૂપિયા સાડા આઠ લાખની ચોરી કરી હતી. ત્યાં કારમાં પંચર પડતાં નજીકમાં ઘર આંગણે પાર્ક કરેલી સફેદ રંગની ઇકો કાર ચોરી કરીને ફરાર થઈ જતાં વેલાછા ગામની જનતામાં ભયનો માહોલ છવાઇ ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે વેલાછા ગામ ખાતે ધી સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનું એટીએમ મશીન આવેલું છે. રવિવારે રાત્રે તસ્કરો સુરતમાં અલીભાઈની લાલ કલરની જી. જે. આર.એચ 7692 નંબરની ઇકો કાર ચોરીને લાછા ગામમાં પહોંચી ત્યાં આવેલી ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનું એટીએમ મશીન ગેસ કટર વડે કાપી રૂપિયા સાડા આઠ લાખની ચોરી કરી હતી. તસ્કરો સુરત શહેરમાંથી ચોરી કરેલી જે કારમાં આવ્યા હતા તેમાં પંક્ચર પડતાં તેને ત્યાં જ મૂકી એટીએમની નજીકમાં જ મકાન ધરાવતા રાકેશભાઈ રતિલાલ ભાઈ પ્રજાપતિની જી.જે 05 જે.એન. 7971 નંબરની સફેદ કલરની ઇકો ઘરઆંગણેથી ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખાલી કેસબોક્સ અને સુરતથી ચોરેલી કાર મળી
તસ્કરોની આખી કરતૂત બેંકમાં લાગેલા સી સી ટીવી મા કેદ થઇ છે. રાત્રે બે વાગ્યાંના અરસામાં 15 મીનીટમાં તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. એ.ટી.એમ.માંથી કાઢેલું રોકડ ભરેલું બોક્ષ બેન્કથી 100 મીટરના અંતરે તસ્કરો નાખી ફરાર થઇ ગયા હતા. જે ઇકો કાર લઇને તસ્કરો આવ્યા હતા એ ઇકો કાર પણ રોડ પરથી મળી આવી હતી. બેન્ક સંચાલકોએ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડને જો મુક્યો હોત તો આજે આ ચોરી થઇ શકી ના હોત, બેન્ક સંચાલકોની બેદરકારીના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.