બારડોલી: (Bardoli) કીમ ચાર રસ્તા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. તેમણે તમામ પોલીસ મથકોને (Police Station) 50 – 50 ભારે વાહનોને ડિટેન (Detain) કરવાની સૂચના આપતા જ પોલીસની ટીમ ભારે વાહનોને ડિટેન કરવામાં જોતરાઈ ગઈ છે. જો કે આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે મધ્યરાત્રિ બાદ કીમ નજીક કીમ માંડવી રોડ પર એક પૂરઝડપે આવતા ડમ્પરે શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા મજૂરોને કચડી નાંખતા 15 મજૂરોના મોત નિપજ્યાં હતા. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી સાંત્વના પાઠવ્યા બાદ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી.
દરમ્યાન આ ઘટનાને પગલે પોલીસ વિભાગને પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ એક ઉચ્ચ અધિકારી દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોને આદેશ જારી કરવામાં આવ્યો છે કે પોલીસ મથક દીઠ 50-50 ભારે વાહનો સામે 207 મુજબ કાર્યવાહી કરી ડિટેન કરવામાં આવે. આ આદેશ છૂટતા જ જિલ્લાભરની પોલીસ ભારે વાહનોને ડિટેન કરવાની કામગીરીમાં લાગી ગઈ છે.
પોલીસ આડેધડ વાહનો ડિટેઈન કરતાં નિર્દોષ ચાલકોનો મરો
પોલીસ દ્વારા વાહનો ડિટેન કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા જિલ્લાના પોલીસ મથકો વાહનોથી ઉભરાવા લાગ્યા છે. બીજી તરફ પોલીસની આ કામગીરીથી નિર્દોષ વાહન ચાલકો પણ ભોગ બની રહ્યા છે. ટાર્ગેટ પૂરો કરવા પોલીસ આડેધડ ભારે વાહનો ડિટેન કરી રહી હોવાની પણ માહિતી સાંપડી રહી છે.
બીજી તરફ પોલીસ દ્વારા એકાએક શરૂ કરવામાં આવેલી આ કામગીરી કેટલા દિવસ સુધી ચાલશે તે અંગે પણ લોકોમાં પ્રશ્નો ઉપસ્થિતિ થઈ રહ્યા છે. આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી અને આજે અચાનક બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય તેમ અનેક નિયમો મૂકીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવી કામગીરી રોજિંદા કરવામાં આવે તો અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે એમ લોકો માની રહ્યા છે.
ટ્રકોની ગતિ નિયંત્રિત કરવી જરૂરી
બીજી તરફ હાઈવા અને અન્ય રેતી, કપચી અને માટીનું વહન કરતાં વાહનોમાં ફેરા પર પૈસા મળતા હોય ડ્રાઇવર પૂરઝડપે હંકારી વધુ ને વધુ ફેરા મારવામાં જ મશગુલ હોય છે. પોલીસ દ્વારા હાઈવા સહિતની ટ્રકોની ગતિ પર અંકુશ મૂકવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે. હાઈવે પર જતી ટ્રાન્સપોર્ટની ટ્રકો કરતાં પણ સ્થાનિક ટ્રકો વધુ જોખમી પુરવાર થઈ રહી છે. ત્યારે પોલીસ અને સરકાર આ બાબતે યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરે તે જરૂરી છે.