હાઇ સ્પીડ ઓવર ટેઇકીંગ, ઓવર લોડિંગ, બોગસ લાયસન્સ બોગસ યુ.સી. મેઇનટેનન્સનો અભાવ, ડુપ્લીકેટ તકલાદી પાર્ટર્સ બેજવાબદાર આરટીઓ ઓફિસર કાયદો કહે છે. બગડેલાં વાહનો સાઇડ પર તાકીદે ખસેડવા મહત્ત્વની વાત તો એ છે કે આવાં વાહનોની ટેઇલ લેમ્પ બંધ હોય છે. સ્વાભાવિક છે. પાછળથી આવતાં સ્પીડવાળાં વાહનો અંધારામાં ભટકાઇ કિંમતી જીવનનો ભોગ લેવાય છે. ખુલ્લા બોરવાળાં ખેતરોના માલિકોને ભારે દંડ અને એક દિવસની સખત કેદ કરવી જોઇએ. લગભગ દર વર્ષ એકાદ બે બચ્ચાંઓનો ભોગ લેવાય છે તે પણ ખેત મજૂરોના દરેક ખુલ્લા બોરવેલના તાળાબંધ ઢાંકણા ન હોય તેઓ પર તાકીદે કાર્યવાહી કરવી.
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ચમક-દમક
આજનો જમાનો જાહેરાતનો છે. એટલે સર્વત્ર ચમકદમક જોવા મળે છે. પૈસાનું પ્રદર્શન થાય છે. આજે વસ્ત્રોમાં અવનવી ફેશન આવતી રહે છે. વસ્ત્ર સુઘડ અને સ્વચ્છ હોય તો તેનાથી શોભા વધે છે. કેટલાક એમ કહે, માણસની યોગ્યતા વધારવા માટે વસ્ત્રોની બોલબાલા છે. અલબત્ત, કપડાં આપણે કેવા છીએ? તે અભિવ્યક્ત કરે છે. જે તે વ્યક્તિનાં વસ્ત્રો અને તેને પહેરવાની ઢબ તે વ્યક્તિ વિશે ઘણુંબધું કહી જાય છે. આમ પણ આજના માનવીને સારા બનવા કરતાં સારા દેખાવું વધારે ગમતું હોય છે. પોશાક-પહેરવેશ,સાજ-શણગારની અનેક રીતો છે. એક લોકોક્તિ છે, ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં.’ છતાં ચમકદમક અને ફેશનના જમાનામાં સારાસારનું ધ્યાન રાખવું રહ્યું. માણસના દેખાવમાં તેનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થતું હોય સજાગતા આવકાર્ય છે. બહારના દેખાવ સાથે અંદરનો દેખાવ પણ સારો હોવો જોઈએ. જો કે, ફેશન નિત્ય બદલાતી રહે છે. સુંદરતા એ માત્ર સ્ત્રીઓ માટેનો વિષય રહ્યો નથી. પુરુષો પણ આ દિશામાં આગળ છે. ટૂંકમાં ઉંમર, સ્થાન, વ્યવસાય અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. ક્ષીર-નીરનો વિવેક જાળવીએ તો ય ઘણું.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.