SURAT

સુરતના આ વિસ્તારના પેટ્રોલપંપ પર વાહનોમાં ઓછું પેટ્રોલ-ડીઝલ ભરવામાં આવે છે, મંત્રીએ ચોરી પકડી…

રાજ્યના પેટ્રોકેમિકલ (Petrochemical Minister) મંત્રી મુકેશ પટેલે (Mukesh Patel) જાતે જ એક પેટ્રોલપંપ (Petrol Pump) વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે. નિયત માપ કરતા ઓછું પેટ્રોલ અને ડીઝલ ભરતા પેટ્રોપંપને મંત્રીના આદેશના પગલે સીલ (Seal) કરી દેવામાં આવ્યો છે. આ ઘટના સુરતમાં (Surat) બની છે. અહીંના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ આવેલો છે. અહીં મંત્રી મુકેશ પટેલ પોતાની કારમાં ડીઝલ ભરાવવા ગયા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું કે નિયત માત્રા કરતા ઓછું ડીઝલ ભરવામાં આવી રહ્યું છે. તેથી મંત્રીએ જાતે કાર્યવાહી કરી છે.

ડીઝલ જેટલા પ્રમાણમાં ભરાવાનું હતું એના કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતાં તાત્કાલિક અસરથી ક્લેકટરને જાણ કરાઇ હતી. ક્લેકટર દ્વારા તેમની ટીમને યશ પેટ્રોલ પંપ પર મોકલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યશ પેટ્રોલપંપને તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે અહીં તાજેતરમાં જ ખાનગી કંપની નિયારા દ્વારા નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો છે. આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા આવતા વાહનચાલકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી એવી ફરિયાદ કરવામાં આવી રહી હતી કે આ પેટ્રોલપંપ પર કટ મારવામાં આવી રહ્યો છે. નિયત માત્રા કરતા ઓછું પેટ્રોલ ભરવામાં આવી રહ્યું છે. ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ-પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે, એના કરતા ઓછું ટેન્કમાં ભરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ વાહનચાલકો દ્વારા કરવામાં આવી રહી હતી.

અનેક ફરિયાદો મળ્યા બાદ પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાની ગાડી લઈને જાતે ત્યાં ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા. મંત્રી જાતે જ તપાસ કરવા માંગતા હતા. આથી તેમણે પોતાની ગાડીની અંદર ડીઝલ ભરાવ્યું હતું. ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવ્યા હતા. પેટ્રોલ પંપ પર જે સ્ટોક મેઇન્ટેન કરવાનું રજિસ્ટર હોય છે, એ તપાસવા માટે માગ્યું તો એમાં આશ્ચર્યજનક બાબત સામે આવી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ પણ પ્રકારના સ્ટોકની માહિતી લખવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારી ઉજાગર થતાં મુકેશ પટેલે સંચાલકને ખખડાવ્યા હતા. ખરેખર તો તમામ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલના વેચાણ અને સ્ટ્રોક અંગેની તમામ માહિતી ફરજિયાત પણે મેઇન્ટેન રાખવાની હોય છે.

પેટ્રોકેમિકલમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે હું પોતે મારી ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો અને લોકોને જે તકલીફ પડી રહી છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપ સંચાલકની ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઇને તાત્કાલિક અસરથી કલેકટરને ત્યાંથી જ ફોન કર્યો હતો. કલેક્ટરે તાત્કાલિક અસરથી પુરવઠા વિભાગની અને તોલમાપ વિભાગની ટીમે ઘટનાસ્થળ પર મોકલીને તપાસ શરૂ કરતાં પેટ્રોલ પંપના સંચાલકોની બેદરકારી સ્પષ્ટ થઈ હતી. આથી તાત્કાલિક અસરથી પંપને સીલ કરી દેવામાં આવ્યો છે. મંત્રી મુકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યના જે પેટ્રોલ પંપના સંચાલકો ગેરરીતી કરતા હોય તે ચેતી જાય. ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top