Vadodara

APMCમાં વાહનો પાર્ક કરવાની જગ્યા હોન્ડાના વેપારીને ભાડે આપી દેવાઈ..!

વડોદરા : વડોદરા શેહેરને છેવાડે સયાજીપુરામાં આવેલ એપીએમસી માર્કેટમાં એક્ટિવાનું ગોડાઉન ધમધમતું હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે વેપારીઓ અને ખેડૂતોના વાહનો પાર્ક કરવાની જગ્યાએ હોન્ડાના વેપારીને એપીએમસી દ્વારા નજીવા ભાડે જગ્યા આપી દેવામાં આવી છે.જેને લઈને પણ સતાધીશો સામે સવાલો થઇ રહ્યા છે.   મલાઈદાર ગણાતા એપીએમસીનો વહીવટ હમેંશા ચર્ચાની રહે છે. છેલ્લા ૧૫ વર્ષથી એપીએમસીમાં શૈલેષ પટેલ મોટાનું  એકહથ્થુ શાશન છે જેની સામે છાશવારે સવાલો ઉઠે છે. એપીએમસીમાં શાકભાજીનો વેપાર થાય છે.પણ આશ્ચર્ય વચ્ચે એપીએમસીના ડાયરેક્ટરોએ શાકભાજીની સાથે-સાથે ભાડે જગ્યા આપવાનું પણ શરૂ કરી દીધું છે.

નવાઈની વાત તો એ છે કે  એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓના વાહનો મુકવાની પાર્કિંગની જગ્યાએ ઢગલાબંધ એક્ટિવા ખડકાયેલા જોવા મળે છે એપીએમસીમાં શાકભાજીના ગોડાઉન સાથે એપલ હોન્ડાનું ગોડાઉન પણ ધમધમતું જોવા મળે છે જ્યાં  એપલ હોન્ડાનો યુનિફોર્મમાં સજ્જ સ્ટાફ પણ ફરજ બજાવે છે  શાકમાર્કેટમાં ઢગલાબંધ નવા નક્કોર એક્ટિવા સ્કુટરના જથ્થા અંગે એપીએમસીના સર્વેસર્વા શૈલેષ પટેલ મોટાનું કેહવું છે કે ઠરાવ કરી દિવાળી સુધી જગ્યાભાડે આપી છે. નજીવા ભાડે હોન્ડા શોરૂમ ને જગ્યા આપતા એપીએમસીના સતાધીશો ખેડૂતોને કે પછી વેપારીઓને સસ્તા ભાવે દુકાનો કે જગ્યા આપવા ખુબ હેરાન કરતા હોવાનું પણ ચર્ચાઈ છે અલબત સહકારી ક્ષેત્રોમાં ચલતા મનસ્વી વહીવટ સેવા કરતા મેવામાં વધુ રસ હોય તેની તરફ ઈશારો કરે છે.

20 હજાર કરતા વધુ સ્કેવર ફૂટ જગ્યાનું ભાડું માત્ર રૂા.10 હજાર જ..!!

સામાન્ય રીતે શહેરના કોઈપણ વિસ્તારમાં ૫૦૦ સ્કેવર ફૂટની  દુકાન,ઓફીસ કે પછી મકાન ભાડે રાખવામાં આવે તો તેનું ભાડું ઓછામાં ઓછુ ૮૦૦૦થી ૧૦૦૦૦ હશે કેટલાક પોશ વિસ્તારમાં આ ભાડું 20 થી ૨૫ હજાર સુધી પણ હોય શકે પરંતુ સયાજીપુરા એપીએમસી માર્કેટમાં એપલ હોન્ડાને આપવામાં આવેલ જગ્યાનું ભાડું જાણી ચોકી જવાય તેમ છે એપીએમસી માર્કેટમાં અંદાજે 20 હજાર સ્કેવર ફૂટ જગ્યાનું ભાડું માત્ર ને માત્ર 10 હજાર રૂપિયા છે આમ સત્તાના નશામાં મનફાવે  તેવા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો એપીએમસી માર્કેટમાં ચાલતું એપલ હોન્ડાના સ્કુટરનું ગોડાઉન છે.

APCMની યોજાયેલી ચૂંટણીમાં પણ શૈલેષ મોટાએ વિરોધીઓને મેનેજ કર્યા હતા

શૈલેષ પટેલ મોટા છેલ્લા ૧૫ વર્ષથી એપીએમસી પર રાજ કરે છે મોટાભાગે એપીએમસીની ચુંટણીઓ બિનહરીફ રહે છે જેની પાછળ શૈલેષ પટેલ મોટાનું મેનેજ પાવર હોવાની ચર્ચા છે શૈલેષ પટેલથી મલાઈદાર એપીએમસીનો વહીવટ છુટતો નથી તાજેતરમાં યોજેલી ચુંટણીમાં પણ શૈલેષ પટેલ મોટાનું મેનેજિગ મેનેજમેન્ટ સામે આવ્યું હતું અને ભાજપના મેન્ડેટ પર ચુંટણી મેદાન પર ઉતરેલા ૧૨ ઉમેદવારો સામે એક પણ ઉમેદવાર ચુંટણી લડ્યો ન હતો પરિણામે ચૂંટણીમાં ૧૬ પૈકી ભાજપ પ્રેરિત ૧૨ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા  શૈલેષ પટેલ મોટા કોંગ્રેસને પણ મેનેજ કરી લે છે ત્યારે મેનેજિગ મેનેજમેન્ટમાં મની પાવર કામ કરતુ હોવાની અટકળો પણ સહકારી રાજકારણમાં જોર પકડે છે.

ટેન્ડર પ્રક્રિયા વગર માત્ર ઠરાવ કરી લાખોની જગ્યાની એપલ હોન્ડાને લ્હાણી કરાઈ

સયાજીપુરામાં કાર્યરત એપીએમસી માર્કેટમાં એપલ હોન્ડા સ્કુટરનું ગોડાઉન ભાડે આપવાની પ્રક્રિયામાં નીતિ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે હજારો સ્કવેર ફૂટની વિશાળ જગ્યા નજીવા ભાડે અપાઈ છે. કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી નથી તેવું જાણવા મળ્યું છે મોટાએ  માત્ર ઠરાવ કરી લાખોની કિંમતની જગ્યા પધરાઈ દીધી છે  આ મનસ્વી નિર્ણય પહેલીવાર લેવાયો નથી બે વર્ષ પહેલાં પણ  એપીએમસી માર્કેટમાં એક્ટિવા સ્કુટરનું ગોડાઉન ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો તે સમયે  શૈલેષ પટેલે (મોટા) હવે  ભાડે આપતા અગાઉ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે તેમ કહ્યું હતું પરંતુ  બે વર્ષ પછી એ જ પરિસ્થિતિ ફરી ઉભી થઇ છે છતાય મોટાના પેટનું પાણી હાલતું નથી.

Most Popular

To Top