સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોએ શાકભાજી લેવા પડાપડી કરતાં સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડ્યાં હતાં. શાકભાજી લેવા આવેલા કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા અને કોવિડ ગાઈડલાઇનનો સંપૂર્ણ ભંગ થતો જોવા મળ્યો હતો. ત્યારે ભાજપ સામે ઘૂંટણીયે પડતી બારડોલી પોલીસ ટોળું ભેગું કરવા છતાં કોંગ્રેસના કાર્યકરો સામે પણ કોઈ કાર્યવાહી કરી શકી ન હતી.
કોરોનાનો ચેપ ઓછો થતાં જ ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પણ પક્ષ હોય તેમને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે રોડ પર ઉતરવાનું શરૂ કરી દીધું છે. ભાજપ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરી રહી છે તો કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી ટોળાં એકત્રીત કરી રહી છે. ટોળાં નેતાઓ ભેગા કરે અને જ્યારે સંક્રમણ વધશે ત્યારે પ્રજાના માથે ઠીકરા ફોડવામાં આવશે. આવા તકવાદી રાજકારણીઓને કારણે જ પ્રજાના જીવ જોખમમાં મુકાય જતાં હોય છે. પોલીસ પણ બાઇક પર સવાર એકલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી કરે છે પરંતુ રસ્તાઓ પર ઉતરતા નેતાઓ સામે આ જ પોલીસ વામણી પુરવાર થતી હોય છે.