આણંદ : આણંદના પીપળાવ ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને અને પાટીદાર સમાજ પીપળાવ દ્વારા 110મો સમૂહલગ્નોત્સવ યોજાવામાં આવ્યો હતો. જેમાં 24 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. માતૃસંસ્થા દ્વારા સન 1983માં પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવાનું સામાજિક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું હતું. જેનો હેતુ લગ્નો પાછળ કરવામાં આવતા બિનજરૂરી ખર્ચાઓમાંથી સામાન્ય પરિવારોને બચાવવાનો હતો. અત્યાર સુધીમાં કુલ 110 સમૂહ લગ્નોત્સવમાં 2918 નવયુગલોએ ભાગ લીધો છે
આણંદના પીપળાવ ખાતે આશાપુરી માતાના સાનિધ્યમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે અને પાટીદાર સમાજ પીપળાવના સૌજન્યથી 110મો સમૂહલગ્નોત્સવ પીપળાવમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં પ્રાર્થના ગામની દીકરીઓએ રજૂ કરી હતી. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરવામાં આવ્યું હતું. માતૃસંસ્થાના સમૂહ લગ્ન સમિતિના કન્વીનર કલ્પેશ પટેલ શાબ્દીક સ્વાગત કર્યું હતું.
ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ પીપળાવ ઘટકના પ્રતિનિધિ જીતેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પીપળાવમાં સમૂહલગ્નનું સપનું જશભાઈ પુજાભાઈ પટેલે જોયું હતું. તે આજે સાકાર થયું છે. પીપળાવના વતની વીર વસનદાસે 1759માં પાટીદાર શબ્દ આપ્યો હતો. આપણે આજે પાટીદાર તરીકે ગૌરવ કરીએ છીએ. તે તેમને આભારી છે. આ ઉપરાંત નેશનલ લેવલે 12 ગોલ્ડ મેડલ મેળવનાર દિવ્યાંગ વેદાંશી પટેલ અને તેના માતાપિતાનું તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રક્ષિત પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માતૃસંસ્થાનો પરિચય અને અહેવાલ માતૃસંસ્થાના સહમંત્રી ધીરુભાઇ પટેલે આપતા જણાવ્યું હતું કે, ભજન સંધ્યા અને ગરબા મહોત્સવના સન 2027 સુધીના દાતાઓ મળ્યા છે. આગામી સમૂહ લગ્નોત્સવ ડુમરાલમાં આયોજન કરાશે. માતૃસંસ્થાના 25 કરોડના પ્રોજેકટ ‘ઉત્કર્ષ’ માટે નખાયેલી દાનની ટહેલને બહોળો પ્રતિસાદ સાંપડયો હતો અત્યાર સુધીમાં 1 કરોડનું દાન આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય વિપુલ પટેલે જણાવ્યુ હતું કે, સન 2000થી સમાજ સાથે જોડાયેલો છું ત્યારથી સમાજની વિવિધ સેવાકીય સામાજિક પ્રવૃતિઓ કરતો રહ્યો છુ. સમાજે મને ઘણું આપ્યું છે ત્યારે ભવિષ્યમાં સમાજનો વધુને વધુ વિકાસ કરી શકું તેવા આપના તરફથી આશીર્વાદ પ્રાપ્ત થાય તેવો અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતનાં સહકારી ક્ષેત્રના અગ્રણી તેજસભાઈ પટેલે સમાજને ડિજિટલી કનેક્ટ કરવાનો તેમજ વિદેશમાં વસતા લોકોને પણ જોડવાનો પ્રયાસ કરવાના સૂચનો કર્યા હતા. નગીનભાઈ પટેલે જણાવ્યુ હતું કે 125 વર્ષ અગાઉ સમાજ સ્થપાયો હતો ત્યારથી અત્યાર સુધી અવિરત સમાજયાત્રા ચાલી રહી છે. નવયુગલોનું જીવન સમૃધ્ધ બને તે માટે શુભેચ્છા પાઠવી હતી. અંતે આભારવિધિ હર્ષદભાઈ બી. પટેલે કરી હતી.
કરીયાવરમાં કઈ કઈ વસ્તું આપવામાં આવી હતી ?
આ સમૂહલગ્નોત્સવમાં ભાગ લેનારા પ્રત્યેક નવયુગલને કુલ 55થી વધુ ભેટસોગાદો દાતાઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં સોનાનું મંગલસૂત્ર, સોનાની લકી, ફ્રીઝ, ઘરઘંટી, ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન, મીકસર, ગેસસ્ટવ વગેરે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો.