SURAT

11 મહિનાનો કોન્ટ્રાક્ટ 2 મહિનામાં જ પૂરો થઈ જતાં વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓ ગુસ્સે ભરાયા

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર કોઈને કોઈ વિવાદમાં સપડાયા કરે છે. આ વખતે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના મામલે યુનિવર્સિટી વિવાદમાં આવી છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં. 11 માસ કરાર આધારિત કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. કારણ કે, આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ ત્રીજા મહિને જ પૂર્ણ થઈ ગયો હતો. બે મહિનાનો કોન્ટ્રાક્ટ લોલીપોપ સમાન સાબિત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કારણ કે, 11 મહિનાની જગ્યા પર માત્ર 2 મહિનાનો કોન્ટ્રાકટ આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બે મહિનાનો કોન્ટ્રાકટ કર્મચારીઓ માટે મજાક સમાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓ આજે 11 મહિનાના કોન્ટ્રકટની માંગ સાથે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતાં. યુનિવર્સિટીના ક્લાર્ક, પિયૂન, સ્વીપર, માળી, હેલ્પર સહિતના VCની ચેમ્બર બહાર વિરોધ કરવા બેઠાં હતાં.

કરાર પર કામ કરતા કર્મચારીએ કહ્યું કે, અમે છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયથી નોકરી કરીએ છીએ. દર વખતે 11 માસનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય છે. પરંતુ આ વખતે ચૂંટણીની આચારસંહિતાના કારણે ટૂંકા કરાર કરવામાં આવ્યાં હતાં. 3 મહિના બાદ હવે બે મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમારી એક જ માગ છે કે, અગાઉની જેમ 11 મહિનાનો કરાર કરવામાં આવે.જ્યાં સુધી 11 મહિના નો કરાર લેખિતમાં નહિ આપે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેમ વધુમાં કહ્યું હતું.

Most Popular

To Top