દર વર્ષે હિન્દુઓનો પવિત્ર તહેવાર હોળી નજીક આવે એટલે વૈદિક હોળી અંગેની ચર્ચાનો પ્રારંભ થઈ જતો હોય છે. પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓ વૈદિક હોળીની હિમાયત કરે છે તે ખૂબ જ વ્યાજબી છે. વૈદિક હોળીમાં લોકોનાં મન, વાણી અને કર્મની શુદ્ધિ પર ભાર મૂકવામાં આવે છે. હોળીના તહેવારની ઉજવણીમાં ડી.જે. અને નૃત્યની જગ્યાએ હિન્દુ પરંપરા અનુસાર ઘણી જગ્યાએ સત્સંગ અને ભજનના કાર્યક્રમનું આયોજન થતું હોય છે કે જે સરાહનીય છે. વૈદિક હોળીમાં સામાજિક એકતા જળવાઈ રહે તે જરૂરી છે. વૈદિક હોળી વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ પર ભાર મૂકે છે.
હોળી એ ફક્ત ધાર્મિક તહેવાર જ નથી પરંતુ સાથે સાથે આધ્યાત્મિક પર્વ પણ છે. આજકાલ હવાનું પ્રદૂષણ એ પણ એક મોટી સમસ્યા છે ત્યારે વૈદિક હોળીને પરિણામે વાતાવરણના શુદ્ધિકરણ થકી દૂષિત કીટાણુઓનો નાશ થાય છે તે ખૂબ જરૂરી છે. પરંપરાગત હોળીમાં લાકડાનો ઉપયોગ થતો હોય છે જેને પરિણામે વૃક્ષોનો નાશ થાય છે જેથી પર્યાવરણ બગડે છે જ્યારે વૈદિક હોળીમાં ગાયના છાણામાંથી બનેલ સ્ટિકનો ઉપયોગ થતો હોય છે. હોળી સામાજિક સામુહિક યજ્ઞ હોવાથી યજ્ઞમાં જે વૈદિક સામગ્રી વપરાય છે તેના થકી વાતાવરણ શુદ્ધ થાય છે. વૈદિક હોળીના અનેકવિધ લાભો જોતાં સૌએ વૈદિક હોળીની ઉજવણી થાય તે માટે આગ્રહ રાખવો જોઈએ. સૌને હોળી ધૂળેટીની શુભકામના.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.