Charchapatra

વેદાન્તા– ફોક્ષકોમનો સિલિકોન ફેબ્રિકેશન પ્લાન્ટ અને ગુજરાત

તાઇવાનની ફોક્ષ્કોમ અને અનિલ અગ્રવાલના વેદાન્તાના સંયુક્ત સાહસે ભારતમાં પહેલો સિલિકોન ફેબ્રિકેશન પ્લાન્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં નાંખવાનો નિર્ણય લેતાં ગુજરાત ગવર્નમેન્ટે આ સંયુક્ત સાહસને આવકારતાં આ પ્લાન્ટ માટે જરૂરી નાણાંકીય સહાય કરવાની તૈયારી બતાવી. આ પ્રોજેક્ટ અંગે જાણીતા કોલમીસ્ટ શ્રીસ્વામિનાથન એસ અંક્લેસવરીયા ઐયરના એક લેખમાંથી જાણવા મળતા આંકડા અને માહિતી દર્શાવે છે કે ૨૦ બિલિયન ડોલરનું રોકાણ ધરાવતા આ પ્રોજેક્ટમાં સિલિકોનની વેફર બનાવવામાં આવશે જેનું આગળ જતાં માઇક્રોપ્રોસેસરમાં અને સોલાર પાવર મોડ્યુલમાં રૂપાંતર કરવામાં આવી શકે. વેદાન્તાના અનિલ અગ્રવાલની અત્યાર સુધીની ઔદ્યોગિક પ્રવૃત્તિનો ઇતિહાસ દર્શાવે છે કે તેઓ સામાન્ય સંજોગોમાં કાચો માલ તૈયાર કરી ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં એનું વેચાણ કરવામાં પ્રવૃત્ત છે.

ગુજરાત સરકારનું માનવું છે કે વેદાન્તાનું આ સાહસ લાખો લોકોને રોજગાર આપી શકે છે. પરંતુ આ પ્રોજેક્ટમાં અંદાજે ૨૦બિલિયન ડોલર જેવું ઘણું મોટું રોકાણ જરૂરી છે અને આ પ્રોજેક્ટ મહદ્અંશે સ્વયંસંચાલિત હોવાને કારણે નવી રોજગારી સરકાર અને લોકોની ધારણા મુજબ ઊભી થવાની શક્યતા ઘણી ઓછી છે. ભારત સરકારે આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન ઉપરાંત ટોટલ પ્રોજેક્ટ કોસ્ટના ૫૦% એટલે કે ૧૦બિલિયન ડોલરની (અંદાજે રૂ.૮૦,૦૦૦કરોડની) સબસીડી આપવાની તૈયારી બતાવી છે જે ગરીબોની જીવાદોરી મનરેગા માટે ફાળવાયેલ રૂ.૭૩,૦૦૦/-કરોડની રકમ કરતા પણ ઘણી વઘુ છે.

વેદાન્તાના સિલિકોન વેફર બનાવવાના આ પ્રોજેક્ટમાં આટલુ મોટુ રોકાણ કરવાને બદલે સીલીકોન વેફરની આયાત કરીને આ વેફરને દેશના નાના યુનિટોમાં પ્રોસેસ કરવામાં આવે તો ઘણા મોટા પ્રમાણમાં આપવી પડતી સબસીડી પણ બચી શકે અને ઘણા બેકારોને રોજગાર મળી શકે. વેદાન્તાના આ પ્રોજેક્ટ માટે ફાળવાતી સબસીડી ભારત સરકારની પી.એલ.આઇ સ્કીમ માટે જરૂરી ફંડની ફાળવણીમાં પણ મુશકેલી ઉભી કરી શકે. આ સંજોગોમાં સરકાર સબસીડીની રકમ એક જ યુનિટમાં રોકવાને બદલે સિલિકોન વેફરને પ્રોસેસ કરતાં નાનાં યુનિટોને ઉત્તેજન આપે તો આ નાનાં ઔદ્યોગિક એકમોમાં સંકળાયેલાં લોકો દ્વારા ઊભી થતી રોજગારી અર્થતંત્રમાં મોટા પાયે માંગ ઊભી કરી મંદીમાં સપડાતાં આપણા અર્થતંત્રમાં પ્રાણ પૂરી દેશને વિકાસના માર્ગે આગેકૂચ કરવામાં મદદરૂપ થઇ શકે.

અમેરિકાની ક્વોલકમ, બ્રોડકોમ જેવી કંપનીઓ પણ સિલિકોન ફેબ્રીકેશનના પ્લાન્ટ નાંખવાને બદલે ચીપ્સ બનાવે છે. આપણા દેશની તાતી જરૂરિયાત બેકારીમાં સપડાયેલા શિક્ષિત યુવાનોને રોજગારી પૂરી પાડવાની છે. આપણો દેશ પણ એક જ કંપનીમાં સબસીડી સ્વરૂપે ઘણું મોટું રોકાણ કરવાને બદલે નાનાં યુનિટોને આ (ચીપ્સ બનાવવા) બાબતે પ્રોત્સાહિત કરી ઘણા મોટા પ્રમાણમાં રોજગારીની તક ઊભી કરી અર્થતંત્રને ફરી ધબકતું ન કરી શકે, જેની દેશ અને દેશનાં લોકોની પ્રાથમિક જરૂરિયાત છે?
સુરત      – હિતેન્દ્ર ભટ્ટ સુરત             – જીતેન્દ્ર પાનવાલાઆ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top