Columns

વાટકી વ્યવહાર

આપણે ત્યાં આડોશ-પડોશ અને સ્વજનો સાથે વાટકી વ્યવહાર ચાલતો જ હોય.કઈ સરસ બનાવ્યું હોય તો પડોશમાં મોકલવાનું અને કૈંક ખૂટી પડે તો વેળ સાચવવા બાજુમાંથી માંગી લેવાનું,પછી પાછું આપી દેવાનું ….ન આપો તો પણ વાંધો નહિ જયારે પાડોશીને જરૂર પડે ત્યારે તે માંગવા આવે તે પ્રેમથી આપવાનું …..આ વાટકી વ્યવહાર સ્નેહપ્રેમની નિશાની.
નીપાની મમ્મી બાજુના ઘરમાં ગઈ હતી અને આવી ત્યારે એક વાટકો મીઠું લઇ આવી.મમ્મીના હાથમાં મીઠું ભરેલો વાટકો જોઇને નીપાને નવાઈ લાગી કે ઘરમાં મીઠાનો ડબ્બો ભરેલો છે અને વળી પાછુ એક પેકેટ પેક પડ્યું છે તો પછી મમ્મી બાજુમાંથી મીઠું માંગીને શું કામ લાવી હશે? નીપાએ મમ્મીને પૂછ્યું, ‘મમ્મી, તું બાજુમાંથી એક વાટકી મીઠું શું કામ માંગીને લઇ આવી??’ મમ્મીએ કહ્યું, ‘વાટકી વ્યવહાર સાચવવા અને સબંધોને મધુર રાખવા.’

નીપાને કઈ સમજ ન પડી તેને ફરી પૂછ્યું, ‘મમ્મી શું કહે કઈ સમજાયું નહિ?’ મમ્મીએ કોલેજમાં ભણતી નીપાને કહ્યું, ‘દીકરા હવે તું મોટી થાય છે. મારી આ વાત યાદ રાખજે પડોશીઓ જોડે મધુરા સંબંધ રાખવા કારણ કે પહેલો સગો પાડોશી.અને સબંધ મીઠા બનાવવામાં આ વાટકી વ્યવહાર બહુ મોટો ભાગ ભજવે છે એટલે તે વ્યવહાર પણ સાચવવો.અને હવે વાત આ એક વાટકી મીઠાની…..દીકરા તને ખબર છે કે ઘરમાં મીઠું છે તો મને તો ખબર જ હોય.પણ અત્યારના આ કપરા સંજોગોમાં તને ખબર છે બધાને ઘણી આર્થિક મજબુરી પણ સતાવતી હોય છે.

આપણી પર ભગવાનની કૃપા છે;પણ આપણી બાજુમાં રહેતા મીનાબહેનના પતિ બીમાર છે તેઓ ઘર ઘર જઈ રસોઈ કરે છે અને અત્યારે તેમનું કામ બંધ છે.મોટી દીકરી નોકરી કરી ઘર ચલાવે છે પણ અત્યારે આ મહામારીમાં તેને પણ પગાર મળ્યો છે કે નહિ તે રામ જાણે …તેથી તેઓ તકલીફમાં છે અને જરૂર પડે કઈ ખૂટે ત્યારે આપણા ઘરે માંગવા આવે છે.હું પ્રેમથી તેમને જે જોઈએ તે આપું છું.તેઓ આપણે ઘરે ચાર પાંચ વાર કૈક ને કૈક લઇ જાય પછી હું તેમને ત્યાં જઈ કોઈવાર લીમડો કે કોઈવાર બે બટાટા કે બીજું કઈ માગીને લઇ આવું છું.

જેથી તેમને કઈ જરૂર પડે તો તેઓ આપણા ઘરે માંગવા આવવામાં ઓછપ કે નાનપ ન અનુભવે;એમ ન વિચારે કે તેઓ આપણી પાસે હંમેશા માંગે જ છે સામે કઈ આપી શક્તા નથી એટલે હું કૈક નાની વસ્તુ ખાસ માંગીને લાવું છું અને એટલે જ આજે આ મીઠું લઈને આવી છું.જેથી વાટકી વ્યવહાર ચાલતો રહે અને તેઓ કઈપણ જરૂર પડે તો જરાપણ નાનપ રાખ્યા વિના આપણી પાસે કઈ પણ માંગવા આવી શકે.’ નીપાને તેની મમ્મીની સમજ અને સમભાવ પર માન થયું.

Most Popular

To Top