મારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિષે કરે છે એટલી હિંદુ ધર્મ વિષે નથી કરતા. તેઓ વિધર્મીઓની જેટલી વિવેચના કરે છે એટલી હિંદુઓની નથી કરતા. ખાતરી કરવી હોય તો તેમનું પ્રકાશિત સાહિત્ય જોઈ શકો છો. શા માટે? વિચારવા જેવો પ્રશ્ન છે.
આનું એક કારણ એ છે કે ભારતીય દાર્શનિક પરંપરાનું મહિમામંડન કરે તો સ્વાભાવિકપણે માણસાઈનું મહિમામંડન કરવું પડે. વસુધૈવ કુટુંબકમનું મહિમામંડન કરવું પડે, એકોહમ બહુસ્યામ(એક જ ઈશ્વર અનેક સ્વરૂપે દર્શન દે છે)નું મહિમામંડન કરવું પડે, આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:…(ચારે દિશાએથી અમને ભદ્ર વિચારો પ્રાપ્ત થાઓ)નું મહિમામંડન કરવું પડે, ભદ્રં કર્ણેભિ: શ્રુણયામ દેવા… (હે દેવો અમે કાનેથી માત્ર ભદ્ર વચન જ સાંભળીએ)નું મહિમામંડન કરવું પડે વગેરે વગેરે. અહીં બે-ચાર કથનો દૃષ્ટાંત તરીકે ટાંક્યા છે. બાકી વેદોથી લઈને ૧૮મી સદી સુધીના મધ્યકાલીન સંતો અને સૂફીઓનાં વચનો તપાસશો તો એમાં ક્યાંય હલકી વાત જોવા નહીં મળે. આખી ભારતીય પરંપરા (જેમાં બ્રાહ્મણ ધર્મનો, શ્રમણ ધર્મોનો, મધ્યકાલીન સંતો અને સૂફીઓનો તેમ જ સાહિત્ય, કાવ્યશાસ્ત્ર, રસસૂત્રનો વગેરેનો સામવેશ થાય છે.) ભદ્રતાથી ભરેલી છે. આ પરંપરાના કેન્દ્રમાં મુખ્યત્વે માણસાઈ છે.
બીજું કારણ એ છે કે જો ભારતીય દાર્શનિક પરંપરાનો સ્વીકાર કરે અને ગર્વ સાથે આવકારે તો ગાંધીજી અને તેમના માણસાઈયુક્ત,મુલ્યનિષ્ઠ, અહિંસક રાજકીય અભિગમને પણ આવકારવા પડે. અંતે ગાંધીજી વિનોબા ભાવે કહેતા એમ સમૃદ્ધ ભારતીય દાર્શનિક પરંપરાનાં અપૂર્વ ફળરૂપે અવતર્યા હતા. ગાંધીજી ગમે તેટલા બહાદુર હોય, પણ તેમના રાજકીય અભિગમમાં વેર-ઝેરનો અભાવ હતો અને માટે તેઓ નકામા હતા.
ત્રીજું કારણ એ કે ભારતીય દાર્શનિક પરંપરા ભદ્રતાથી ભરેલી હોવા છતાં બ્રાહ્મણોએ અને બીજા સવર્ણોએ દલિતો અને પોતાના જ સમાજની સ્ત્રીઓ સાથે જે અન્યાય કર્યો હતો તેના વિષે કંઈક બોલવું પડે. કહેવાતા મહાન બ્રાહ્મણોના વર્તનમાં ભદ્રતાનો સરિયામ અભાવ હતો તેનો સ્વીકાર કરવો પડે. જ્યાં ૯૫ ટકા હિન્દુત્વવાદીઓ બ્રાહ્મણ હોય ત્યાં તેઓ આ સ્વીકાર કેવી રીતે કરી શકે! ભદ્ર પરંપરાએ નિર્બળ સાથે અભદ્ર વ્યવહાર કરનારી જમાતને કેવી રીતે પેદા કરી એ વિષે પણ ખુલાસો કરવો પડે. ગળે ઉતરે એવો ખુલાસો કરવાની સ્થિતિમાં ન હોઈએ તો હિંદુ સમાજમાં રહેલી ખામીનો સ્વીકાર કરવો પડે. જે લોકો આવી અન્યાયજનક સમાજવ્યવસ્થાની નિંદા કરે છે તેમને સાથ આપવો પડે. પોતે જ પોતાને ગુનેગારના પીંજરામાં ઊભા રાખવા પડે અને એ બધું કેવી રીતે બને!
ચોથું કારણ એ કે જો અન્યાયકારક જ્ઞાતિ વ્યવસ્થાનો સ્વીકાર કરે તો ભારતના ઇતિહાસમાં હિંદુઓના થયેલા પરાજય માટે જ્ઞાતિ વ્યવસ્થા જવાબદાર હતી એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડે. દુશ્મનનો સામનો એકલા ક્ષત્રીયે જ કરવાનો હોય અને બહુજન સમાજને હાથમાં તલવાર શું લાકડી રાખવાનો પણ અધિકાર ન હોય તો પરાજય તો અવશ્ય થવાનો. જે દેશમાં કેટલીક પ્રજાને જોડા પહેરીને ગામમાં પ્રવેશવાનો અધિકાર ન હોય ત્યાં જય કેવી રીતે મળે? વિભાજીત પ્રજા ક્યારેય વિજય પ્રાપ્ત કરતી નથી એ તો સનાતન સત્ય છે. ગુજરાતનાં ગામેગામમાં એક નજર કરી જુઓ. ગુજરાતના ગામોમાં જેટલા વિજય સ્મારક મળશે એનાથી વધુ પાળિયા જોવા મળશે. ટૂંકમાં હિંદુઓનો વિધર્મી દુશ્મનો સામે પ્રત્યેક વેળા પરાજય થયો છે તેનું કારણ જ્ઞાતિ વ્યવસ્થા છે અને જ્ઞાતિ વ્યવસ્થાના પુરસ્કર્તા અને લાભાર્થી બ્રાહ્મણો હતા. શ્રમણોએ શિખવાડેલ અહિંસાને કારણે હિંદુઓનો પરાજય થયો છે એમ કહેવા માટે કોઈ જગ્યા જ ન બચે.
આ ચાર કારણો એવાં છે કે તેઓ(હિન્દુત્વવાદીઓ) પોતાના(ભારતીય દર્શન અને હિંદુ સમાજ)તરફ જોવાનું ટાળે છે. ફરી વાર કહું છું કે ખાતરી કરવી હોય તો તેમના પ્રકાશિત સાહિત્ય પર એક નજર કરી જાઉં. તેમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અને મુસલમાનો અને ખ્રિસ્તીઓની વિગતે વાત થયેલી જોવા મળશે અને ભારતીય દર્શન અને હિંદુ સમાજની ચિકિત્સા નહીંવત્ જોવા મળશે. તેમાં આપણે કેવા મહાન એમ કહેનારા બે-ચાર પાનાં માંડ જોવા મળશે અને એ પછી બીજા કેવા નઠારા છે અને તેમણે હિંદુઓને કેટલા સતાવ્યા હતા અને અન્યાય કર્યો હતો તેની વિગતે વાત કહેવામાં આવશે. તેઓ મુસલમાનો અને ખ્રિસ્તીઓના નઠારાપણાનાં મૂળ તેમના ધર્મમાં શોધે છે. એ ધર્મ જ નઠારા છે એટલે એ બે પ્રજા નઠારી છે એવું તેઓ સરળીકરણ કરે છે.
માટે હિંદુઓએ જેવા સાથે તેવા થવું જોઈએ. માટે હિંદુઓએ સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ જેવા મુલ્યોમાં અટવાવું ન જોઈએ. માટે હિંદુઓએ ગમે તે સાધન અપનાવવામાં સંકોચ નહીં કરવો જોઈએ. માટે હિંદુઓએ સંગઠિત થઈને સાબદા રહેવું જોઈએ. માટે હિંદુઓએ મનમાં વેરભાવ કેળવવો જોઈએ અને મોકો મળ્યે વેર વાળવું જોઈએ વગેરે. આ બધું સ્પષ્ટ કહેવામાં નથી આવતું અને તેની જરૂર પણ નથી. તેઓ ઇસ્લામ અને ઈસાઈ ધર્મનાં સ્વરૂપ, મુસલમાનો અને ખ્રિસ્તીઓનો વ્યવહાર, પશ્ચિમનો ઈતિહાસ અને પરંપરા, તેમના ભારત અને હિંદુઓ સાથેના સંબંધોનો ઈતિહાસ વગેરે એવી રીતે રજૂ કરે છે કે એમાંથી આ જ નિષ્પન્ન થાય. શાખામાં જનારા યુવકને વરસ દિવસમાં પ્રતીતિ થવી જોઈએ કે હિંદુને છોડીને દુનિયા આખી નઠારી છે એટલે જેવા સાથે તેવાના સંસ્કાર અપનાવવા પડશે. ગાંધીથી કામ નહીં ચાલે.
તો આનો દેખીતો અર્થ એ થયો કે તેઓ (હિન્દુત્વવાદીઓ) આપણને(હિંદુઓને) આપણાપણું છોડવાનું અને બીજાનું બીજાપણું અપનાવવાનું કહે છે. અંતે જેવા સાથે તેવા તો ત્યારે જ થવાય જ્યારે જેવાના ગુણ અપનાવીએ. આશ્ચર્યની વાત છે કે તેઓ જેમની નિંદા કરે છે તેમના જેવા બનવાની આપણને આડકતરી રીતે શીખ આપે છે. તેઓ ભારતીય કે હિંદુ સંસ્કારરૂપી માનું દૂધ છોડીને પરાઈ દાઈનું દૂધ પીવાની શિખામણ આપે છે. તેઓ અમૃતવેલ છોડીને ઝેરનો વેલો ઉછેરવાની સલાહ આપે છે. હિંદુ હોવા માટે ગર્વ પણ અનુભવે છે અને હિંદુ સંસ્કાર-વારસાને નકારે પણ છે. આ બધું વિચિત્ર નથી લાગતું?