આણંદ: રાજ્યમાં ઓબીસી અનામત લઇ કોંગ્રેસ દ્વારા રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે આંકલાવ ધારાસભ્ય અમિત ચાવડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ઓબીસી અનામત બચાવો, ચિંતન સંકલ્પ શિબિર યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઓબીસી સમાજના ધારાસભ્ય, સામાજિક તેમજ રાજકીય આગેવાનો સાથે ભાજપ સરકારના અનામત વિરોધી વલણ સામે આક્રોશ વ્યક્ત કરી 27 ટકા અનામતની માગણી સાથે લડત આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આ અંગે આંકલાવ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 52 ટકા ઓબીસી સમાજની વસતી છે. આ ઉપરાંત તેમાં 147થી વધુ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રજૂઆતો કરવા છતાં તેના માટે સરકાર તરફથી માંગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાંથી ઓબીસી અનામત દૂર કરવાનો આદેશ કર્યો છે.
શિક્ષણ અને નોકરીમાં અનામત નાબૂદ કરવાના ષડયંત્ર સામે અનામત બચાવવા ચિંતન કરીને સંગઠિત અને સંકલ્પ બદ્ધ બની લડાઇ લડવા સૌ સાથે મળી સત્તા કે વિપક્ષથી પર રહી રાજકીય, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલા તથા ઓબીસી સમાજની લાગણી ધરાવતા સૌ આગેવાનો સાથે મળી ચર્ચા – વિચારણા કરી ચિંતન કરી બેઠકમાં અનામત બચાવવા સંકલ્પ બદ્ધ થયાં હતાં. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત ઓબીસી, એસસી, એસટી ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં અને અનામત વિરોધી સરકારને ઉખાડી ફેંકવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા કયા કયા મુદ્દે માગણી કરવામાં આવશે ?
રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવિ. વસ્તી ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગ્રામ પચાયતની ચૂંટણી મુલતવી રાખવામાં આવે. રાજ્યમાં 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામત બેઠકની માંગણી કરવામાં આવશે. રાજ્યમાં ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી 27 ટકા રકમની ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવે અને આ બજેટની રકમ ઓબીસી સમાજ અને તેના વિસ્તારમાં જ વપરાય તે માટે સબ પ્લાન કમિટીઓની રચના કરવામાં આવે. બેઠકના અંતે બિન રાજકિય અનામત બચાવો સમિતિની રચના કરવા ઠરાવવામાં આવ્યું હતું.