Madhya Gujarat

વસોના ડોક્ટરે ઉછેરનાર કરનારા માતાના નામે માતબર દાન આપ્યું

આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મંગળવારના રોજ સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ.5.5 કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરને શાંતાબહેન સૂર્યકાન્તભાઈ દેસાઇ (વસો)નું નામ આપવામાં આવ્યું છે. આ સેન્ટરના મુખ્ય દાતા ડો. બારિન્દ્ર દેસાઇના માતા સત્યાગ્રહમાં જોડાતાં તેમનો ઉછેર શાંતાબહેને કર્યો હતો. જેથી તેઓએ તેમનું ઋણ ઉતારવા માટે તેઓએ દાન આપ્યું હતું.

કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલના સેન્ટ્રલ ડાયગ્નોસ્ટિક સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેલા ડો. બારિન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મને જીવન આપનારા માતાનો હું ખૂબ જ ઋણી છું. જેથી તેમનું ઋણ અદા કરવા માટે મેં આ સેન્ટરમાં દાન કર્યું છે. મારો જન્મ 1930માં થયો હતો. આ સમયે સત્યાગ્રહનો માહોલ ચાલી રહ્યો હતો. મારા માતા ભક્તિબહેન પણ સત્યાગ્રહમાં જોડાયાં હતાં. આથી, તેઓએ ઉછેરની જવાબદારી શાંતાબહેન દેસાઇને આપી હતી. તેઓ ખૂબ જ સારી રીતે લાલન પાલન કર્યું હતું. આથી, તેમના નામે દાન આપ્યું હતું.

આ સેન્ટર અંગે અતુલ પટેલે જણાવ્યું હતું કે, આ સેન્ટર મુખ્ય હોસ્પિટલ, કાર્ડિયાક અને કેન્સર સેન્ટરની મધ્યમાં આવેલું હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓને લેબ કલેકશનની સેવાઓ મેળવવા માટે સરળતા રહે છે. જેમાં લેબોરેટરી અને બ્લડ બેન્કની સુવિધા છે. સેન્ટરની એનએબીએલ પ્રમાણિત લેબોરેટરીમાં પેથોલોજી, હિસ્ટોપેથોલોજી, બાયોકેમેસ્ટ્રી અને માઇક્રો બાયોલોજીના પરિક્ષણ થાય છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ દર્દીઓને સારવાર આપતું અને પરિક્ષણ કરતું આ એકમાત્ર સેન્ટર છે.

સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં રિસેપ્શન અને કલેકશન વિભાગ છે, જ્યારે પ્રથમ માળે એનએબીએચ પ્રમાણિત આધુનિક સગવડ ધરાવતા બ્લડ સેન્ટર છે. જેમાં એફોરસીસ અને સ્ટેમ્પ સેલની સુવિધા પણ છે. જ્યારે ત્રીજા માળે મોલેક્યુલર લેબોરેટરીની સુવિધા છે. સેન્ટર દરરોજ એક હજાર સેમ્પલ અને અઢી હજાર જેટલા પરિક્ષણો કરવાની જોગવાઇ ધરાવે છે. તમામ પ્રોસીજર્સ અને તેના રિપોર્ટ્સ ડોક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. એનએબીએચ માન્યતા પ્રાપ્ત બ્લડ સેન્ટર વર્ષે સાત હજાર રક્તદાતાઓ પાસેથી રક્ત એકત્રિત કરે છે અને 11 હજાર રક્તના ઘટકો રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓને પુરા પાડે છે.

આ સેન્ટરનું ઉદ્દઘાટન પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી (દંતાલી)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા ડો. બારિન્દ્ર દેસાઇ, ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન અતુલ પટેલ, માનદમંત્રી જાગૃત ભટ્ટ, ભાઇકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, પ્રમુખ સ્વામિ મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યા, ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલ ડો. હરિહરા પ્રકાશ, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઇ વિગેરે હાજર રહ્યાં હતાં. ડો. બારિન્દ્ર દેસાઇ હાલ 93 વર્ષના છે. તેઓ આજે પણ તેમને ઉછેર કરનારા માતા શાંતાબહેન દેસાઇએ તેમના ઘડતરને ઋણી માને છે.

Most Popular

To Top