નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) શુક્રવારે વહેલી સવારે એક મોટો અકસ્માત (Accident) થયો હોવાની ઘટના સામે આવી છે. કટરાને (Katra) અડીને આવેલા નોમાઈ વિસ્તારમાં માતા વૈષ્ણો દેવીના (Vaishno Devi) ભક્તોથી ભરેલી એક મુસાફરી ટેમ્પો કાર સંતુલન ગુમાવીને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત (Death) થયું છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વાહન કટરાથી જમ્મુ તરફ જઈ રહ્યું હતું. તમામ શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક કારને અકસ્માત નડ્યો હતો. કારમાં કુલ 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી અને જેસીબીની મદદથી નીચે દટાયેલા ઘાયલ શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.