વાંસદા: (Vasda) વાંસદા – ધરમપુર રોડ ઉપર આઈસર ટેમ્પો અને બાઈક (Tempo And Bike) વચ્ચેના અકસ્માતમાં બાઈક પર સવાર પિતા – પુત્રીનું મોત નિપજ્યું હતું. આઇસર ટેમ્પો ચાલક વિરૂધ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
- વાંસદા-ધરમપુર રોડ ઉપર ટેમ્પોની ટક્કર લાગતા બાઈક સવાર પિતા-પુત્રીનું મોત
- ચાલકે ટેમ્પો પૂરઝડપે હંકારી બાઇકને ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો
પોલીસ સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના જામલિયા ગામે એચ.પી. ગેસ ગોડાઉનની સામે વાંસદા – ધરમપુર જતા રોડ ઉપર એક આઇસર ટેમ્પો નંબર GJ 5 UU 3167 નો ચાલક અનુક વિનોદભાઈ ગાંવીત (રહે. લીમઝર, પંચાલ ફળિયુ તા. વાંસદા)એ પોતાનો આઇસર ટેમ્પો પૂરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ નં. GJ 26 B 3717 ના ચાલક દીપક સુરેશભાઈ ચૌધરી (ઉં.વ. 43 રહે. અંતાપુર, પેલાડ ફળિયું તા. ડોલવણ જી.તાપી ) ને જોરદાર ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં મોટર સાયકલ ચાલકની પાછળ બેસેલી તેમની દીકરી મનીષાબેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક દીપકભાઇ ચૌધરી બેભાન થઈ જતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેમનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મરનારના પુત્ર નિલેશ ચૌધરીએ આઇસર ટેમ્પો ચાલક વિરૂધ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.