આગામી 26મી જાન્યુઆરી એટલે સૌથી મોટુ રાષ્ટ્રીય પર્વ, બાબા સાહબે આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની જહેમતે તૈયાર કરેલ ભારતીય સંવિધાનને 26મી જાન્યુઆરી 1950ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે લાગુ કરીને ભારતને પૂર્ણરૂપે ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરાયેલું એ શુભ દિવસને યાદ કરી પ્રતિવર્ષ ભવ્યાતિભવ્ય રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી કરાય છે. ધર્મ નિરપેક્ષ ભારત દેશના લોકો 26મીએ આ રાષ્ટ્રીય પર્વ ઉજવશે ત્યારે સનાતન ધર્મના અનેક ઉત્સવોનો આ દિવસે સુમેળ રચાયો છે. દેવી સરસ્વતી, દેવી લક્ષ્મીજી, ઉમિયા માતાજી તથા ચેહર માતા પ્રાક્ટય દિવસ એટલે વસંત પંચમી. આ વખતે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરીને ગુરુવારના રોજ આવે છે.
મહામહિનાની શુકલપક્ષની પાંચમ એટલે જ વસંત પંચમી ઋતુઓનો રાજા ગણાતા વસંત ઋતુનો પ્રારંભ આ દિવસથી થાય છે. યુવાન હૈયાઓ અને નવપરણિત યુગલોને વસંત ઋતુ અતિપ્રિય હોય છે. ભારતીય પ્રાદેશિક ભાષાના પ્રત્યેક લેખક- કવિઓએ વસંતને વધાવતી અનેક ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે. આ દિવસથી પ્રારંભ થતી વસંત ઋતુને વધામણા આપતા વસંતોત્સવના ઠેરઠેર આયોજનો જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રતિ વર્ષ ગાંધીનગરમાં વસંતોત્સવનું આયોજન કરાય છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ભજન, ડાયરા, કવિ-સંમેલન, મુશાયરા, મનોરંજક કાર્યક્રમો ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ હોય છે. નાની મોટી સંસ્થાઓ પણ ખાનગી-જાહેર એવા વસંતોત્સવનુ આયોજન કરે છે.
‘વસંત પંચમી’નું ખરું માહાત્મ્ય દેવી સરસ્વતીના પ્રાક્ટ્ય સાથે રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કર્યા પછી નિષ્ક્રિય અને શુષ્ક લાગતી પૃથ્વીને સંચારિત કરવા ભગવાન વિષ્ણુ અને અન્ય દેવ-દેવીઓની વિનંતીથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ લઇ પૃથ્વી પર છાંટતા પૃથ્વી પર એક પ્રકારનું કમ્પન થયું અને એક શ્વેત વસ્ત્રધારી સુંદર દેવી અદ્દભૂત શક્તિરૂપે પ્રગટ થયા જેના એક હાથમાં વીણા, બીજા હાથમાં અભયમુદ્રા તથા અન્ય હાથોમાં માળા અને પુસ્તકો હતા. હંસ પર સવાર દેવીએ હાથમાંની વીણાના મધુર સૂર છેડતા પૃથ્વી પરના સઘળા જીવો, મનુષ્યોને વાણી પ્રાપ્ત થઇ અને નિષ્ક્રિય લાગતી પૃથ્વી સંચારિત થઇ એ ક્ષણ પછી દેવીને સરસ્વતી માતાથી દેવ-દેવીઓ અને મનુષ્ય ઓળખાતા થયા.
માતા સરસ્વતીના પ્રાકટયનો દિવસ મહા સુદ પાંચમ હતો. તેથી પ્રતિ વર્ષ લોકો વસંત પંચમીને ઉજવતા થયા. વસંત પંચમીને શ્રી પંચમી અને જ્ઞાન પંચમી પણ કહે છે. વાગેશ્વરી, ભગવતી શારદા, વીણાવાદિની તથા વાગ્દેવી જેવા અનેક નામથી ઓળખાતા માતા સરસ્વતી વિદ્યા, બુદ્ધિ અને જ્ઞાનની દાતા દેવી તરીકે આપણે ઓળખીયે છીએ. વિવિધ કલાના ઉપાસકો સરસ્વતીદેવીની ઉપાસના કરતા હોય છે. શાળા-કોલેજોમાં આપણે વિદ્યા અને જ્ઞાનદાન માટે માતા સરસ્વતીની વંદન-પૂજાને નિત્યક્રમ બનાવીએ તેવુ શિખવાયુ છે. બ્રાહ્મણશાસ્ત્રોમાં અધિષ્ઠાત્રી, બ્રહ્મસ્વરૂપ, તેજસ્વી અને અનેક ગુણોવાળા માતા સરસ્વતીની પૂજા-આરાધનાનું વિગતે વર્ણન કરાયું છે.
વસંત પંચમીના દિવસે પ્રત્યેક સનાતનીઓએ માતા સરસ્વતીનું પૂજન-અર્ચન કરવું જોઇએ. સરસ્વતીની પૂજામાં પીળા રંગનુ અધિક મહત્ત્વ રહેલું છે આ શુભ દિવસે દેવી સરસ્વતીની પ્રતિમાને પીળા કલરના વસ્ત્રો ધારણ કરાવવા. પૂજામાં પીળા ફૂલ, હળદર-કેસર અને પ્રસાદમાં બુંદી કે બેસનના લાડુ ધરાવવાની માન્યતા છે. પંજાબ હરિયાણા તથા ઉત્તરીરાજ્યોમાં ધર્મને માનતા અને સરસ્વતીને પૂજતા લોકો આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરે છે અને ખેતરમાં નવો પાક આવતા છવાયેલી હરિયાળી તથા સરસવના ખેતરમાં પીળા ફૂલોથી ઓઢેલી સોનેરી ચાદર જેવા ખેતરોમાં ભાવપૂર્વક ઉત્સાહથી પૂજા સાથે વસંતના ગીતો ગાતા પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે કામદેવનુ પ્રાગટય પણ આ દિવસે જ થયેલુ તેથી વસંતોત્સવના આયોજન કરી યુવાયુગલો વસંતને આવકારતા નૃત્ય-ગાન કરે છે.
આ વખતે વસંતપંચમીના અવસરે 4 શુભ યોગનો સુમેળ છે. શિવયોગ 26 જાન્યુઆરીએ પ્રભાતે 3-10થી બપોરે 2-29 સુધીનો છે તે સિદ્ધ યોગ શિવયોગ પૂર્ણ થઇને તા.27મીની સવાર સુધીનો ગણાય છે. ઉપરાંત સર્વાર્થ રહેશે. ચાર યોગના આ અદ્દભુત સુમેળના અવસરે સરસ્વતી પૂજન માટે શ્રેષ્ઠ સમય સવારે 7-12 કલાક સુધીનો રહેશે. 4 યોગના આ અદ્દભૂત સુમેળના અવસરે સરસ્વતી પૂજન માટે શ્રેષ્ઠ સમય સવારે 7-12થી બપોરે 12-34 સુધીનો રહેશે એવું વિદ્વાનો જણાવે છે. વસંતપંચમીનો દિવસ એવો છે કે કોઇ પણ પ્રકારના શ્રેષ્ઠ શુભકાર્યો માટે ઉત્તમ છે. કડકડતો ખીચડો અને કમૂરતા ઉતરાયણના ઉત્સવ સાથે પૂરા થાય છે અને શુભકાર્યોના મુહુર્તો મળતા થાય છે પણ વસંત પંચમી એટલો શુભ દિવસ મનાય છે કે વેવિશાળ, લગ્ન, નવાઘર કે મિલ્કતની— ખરીદી, ગાડી, ટીવી કે સોના ચાંદીની ખરીદી માટે પણ આ દિવસે મુહૂર્ત જોવું નથી પડતું. સરસ્વતી પૂજનનો દિવસ હોવાથી બાળકને શાળામાં પ્રવેશ કરાવવો કે 4-6 મહિનાના બાળકોને અન્નપ્રાસન કરાવાય છે જો કે એવી પણ માન્યતા છે કે વસંતપંચમીના દિવસે નવજાત શિશુ કે નાના બાળકોની જીભ પર મધથી ૐ લખવાથી વાચા જલ્દી ફૂટે છે અથવા તો સુમધુર અને સ્પષ્ટ વાચા ધરાવતો થાય છે.
ભગવાન શિવના અર્ધાંગના માતા ઉમિયાજીનો પણ પ્રાક્ટય દિવસ વસંત પંચમી છે તેથી સમગ્ર પાટીદાર સમાજ ઊંઝા, સિદસર, સુરત ઉપરાંત જયાં જયાં પણ ઉમિયા માતાના મંદિરો છે ત્યાં વિવિધ પ્રકારે પૂજા-અર્ચન સાથે ઉત્સવ મનાવે છે. શોભાયાત્રા, મહાઆરતી, અન્નકુટ તથા મહાપ્રસાદ જેવા આયોજનો ઉમિયા માતાના મંદિરોએ યોજાશે. જો કે સૌરાષ્ટ્રના સિદસર ખાતે 2024માં ઉમિધામમાં 125 વર્ષની ઉજવણી થશે જેથી સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ પણ ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યો છે. ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ વસંતપંચમી છે તેથી વડોદરાના સાવલી ખાતે, આણંદ પાસેના ખંભોલજ ખાતે, સુરત-નવસારી પાસેના મરોલી ઉપરાંત અડાલજ અને મરતોલી તથા જયાં જયાં ચહેર માતાના મંદિરો છે ત્યાં વસંત પંચમીના રોજ માતાજીના પ્રાકટય દિવસની ઉજવણી ધામધૂમથી કરાશે. સુરત નવસારી રોડ પરના મરોલી ખાતે તો પ્રતિ માસની સુદ પાંચમે મહાપ્રસાદનું આયોજન થાય છે. મંદિરે દર્શને દૂર દૂરથી આવતા ભાવિકો મહાપ્રસાદ અને સત્સંગનો લાભ લઈને ધન્યા અનુભવે છે.