નડિયાદ: મહુધા તાલુકાના મહીસા ગામની શાળામાં અભ્યાસ કરતાં વાસણા ગામના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને એસ.ટી બસના અભાવે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વહેલીતકે આ રૂટ પર બસ શરૂ કરવાની માંગ સાથે પ્રિન્સીપાલે એસ.ટીના નિયામકને રજુઆત કરી છે. મહીસા ગામમાં આવેલ એમ.પી જોષી વિદ્યાવિહાર હાઈસ્કુલમાં વાસણા ગામના ૩૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે, શાળા શરૂ થવાના તેમજ છુટવાના સમયે મહીસા-વાસણા રૂટ વચ્ચે એકપણ બસ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
એસ.ટી બસના અભાવે વિદ્યાર્થીઓ નાછુટકે ખાનગી વાહનોમાં જોખમી અને ખર્ચાળ મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. જેને ધ્યાનમાં લઈ એ.પી જોષી વિદ્યાવિહાર હાઈસ્કુલના પ્રિન્સીપાલે એસ.ટીના વિભાગીય નિયામકને લેખિત રજુઆત કરી વાસણા-મહીસા રૂટ ઉપર બસ ચાલુ કરવા જણાવ્યું છે. આ બસ સવારે શાળા શરૂ થતાં પહેલાં વાસણાથી મહિસા તેમજ સાંજે શાળા છુટ્યાં બાદ મહિસાથી વાસણા રૂટ પર તાત્કાલિક બસ દોડાવવામાં માંગણી કરી છે.