હમણાં ‘સ્ત્રી-2’માં વરુણ ધવન ખાસ ભૂમિકા પૂરતો દેખાયો. આ પહેલાં ‘મુંજયા’માં પણ તેણે નાનકડી ભૂમિકા કરેલી. અરે, તે પહેલાં ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં પણ એક ગીત પૂરતો દેખાયેલો. લોકો પોતાને ભૂલી ન જાય તે માટે આવી નાની, નગણ્ય ભૂમિકા કરવી પડે તે વરુણની મજબૂરી થઇ ગયેલી લાગે છે. બાકી તે પણ રણવીરની જેમ ઘણો હવામાં હતો. અરે તે તો ‘સીલાડેલ હની બની’ નામની વેબસિરીઝમાં પણ આવવામાં છે. સલમાન ખાને જે અભિનેત્રીઓને ચમકવાનો ચાન્સ આપ્યો તે પછી ઝાંખી પડી ગઇ એવું જ કદાચ કરણ જોહરનું પણ થઇ રહ્યું છે. કરણે જ વરુણને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં ચાન્સ આપેલો. પણ કરણ કયારેક જ સ્ટારમેકર પૂરવાર થયો છે. જો કે કરણનો બહુ વાંક ન કઢાય કારણ કે વરુણ ધવન તો ડેવિડ ધન જેવા દિગ્દર્શકનો દિકરો છે જેણે ગોવિંદા, કરિશ્મા કપૂર, રવિના ટંડન, કાદર ખાનને અનેક સફળ ફિલ્મો આપી. વરુણને થતું હશે કે મને પણ ગોવિંદા જેવી થોડી વધુ સફળતા મળી હોત તો કેવું સારું. અલબત્ત, વરુણને ફકત કોમેડીમાં ખટાવવો યોગ્ય નથી. તે એક સારો અને એનર્જીમાં માપની બહાર નીકળી જતો એકટર છે. તે વૈવિધ્ય સાથે ભૂમિકા કરી પોતાને મેચ્યોર અને ટોટલ સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરવા મથે છે. તે મેચ્યોર તો થઇ જવાનો હતો એટલે થઇ ગયો છે પણ ટોટલ ખાસ મળતો નથી. હિન્દી ફિલ્મોમાં પંજાબી મૂળના અભિનેતા ચાલી જાય એવો ખ્યાલ છે પણ વરુણે તે હજુ પૂરવાર કરવાનો છે. તેની આ દશા છેલ્લી ઘણી ફિલ્મો માર ખાય ગઇ તેથી છે. 2021થી તે નિષ્ફળ છે ચાહે ‘જૂગ જૂગ જિયો’ હોય કે ‘ભેડીયા’ કે પછી ‘બવાલ’ રોકી ઔર રાની પ્રેમ કહાની’ની સફળતા તે પોતાનાં નામે ન ચઢાવી શકે. અરે, ‘સ્ત્રી-ટ’ની સફળતા પણ તેની નથી.
ખેર! જે સ્પર્ધામાં દોડે છે તેની પાસે આશા રખાતી હોય છે તેમ વરુણ ડ્રામેટિકલી સફળ પૂરવાર થાય તેની રાહ જોવાય રહી છે. હમણાં તે ‘બેબી જહોન’માં રોકાયેલો છે. આ ફિલ્મ 31 મેએ રજૂ થવાની હતી પણ હવે આ વર્ષના અંતે ક્રિસમસમાં આવશે. નિર્માતા એટલીની ફિલ્મ છે એટલે વરુણ ઘણી આશા રાખી રહ્યો છે. એ ફિલ્મ એટલીની જ તમિળ ફિલ્મ ‘કેરી’ની રિમેક છે. વરુણ ઉપરાંત કિર્તી સુરેશ, વામિકી ગબ્બી, જેકી શ્રોફ, સાન્યા મલ્હોત્રા સહિતનાનો કાફલો છે અને નવરાશમાં ચાલતો સલમાનખાન એક ભૂમિકા કરવાનો છે. વરુણના ટેકામાં ઘણા છે તો આ ફિલ્મ ચાલી શકે. બાકી, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ તેના લાંબા શીર્ષક પ્રમાણે ચાલી શકે તો વરુણનું માન રહી જાય અને ત્યાર બાદ ‘હે જવાની તો ઇશ્ક હોના હે’ ફિલ્મ છે. વરુણ તો ‘બોર્ડર-2’, ‘ગ્રેગરી-2’ ‘નો એન્ટ્રી-2’, ‘ભેડીયા-2’માં પણ છે. પણ આટલુ ટુ-ટુ-ટુ તેને નંબર વન કે ટુ બનાવી શકશે ? ફિલ્મવાળા નિષ્ફળ જાય ત્યારે ધાર્મિક બની જતા હોય છે. વરુણ બન્યો છે કે નથી તે ખબર નથી પણ તેને હવે સલાહ તો મળતી હશે કે ભાઇ ધવન હવે કરાવો હવન! •
વરુણ ધવન, સફળતા માટે કરાવ હવન !
By
Posted on