Vadodara

શહેરમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી : ઠેરઠેર પાણી ભરાયા

વડોદરા : ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને કારણે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે શહેરમાં બે દિવસથી વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસતા લોકોએ ઉકળાટના ત્રાસથી રાહત અનુભવી હતી. જોકે, આજે સવારથી જ વડોદરા શહેરમાં વાદળ છાયા વાતાવરણ રહ્યું હતું જેમાં શહેરમાં બપોર બાદ વરસાદ વરસવાનો શરૂ થયો હતો. પરિણામે વડોદરા શહેરીજનોને છત્રી, રેઇન કોટના સહારે સાથે નીકળવાની ફરજ પડી હતી. માત્ર થોડા જ વરસાદમાં જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર પાણી ભરાઇ જતા હોવાથી શહેરીજનોમાં કોર્પોરેશન સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વરસાદી વાદળો ગોરંભાયેલા હોવાથી મેઘરાજા મનમૂકીને વરસે તેવા એંધાણ જોવા મળ્યા હતા.

વરસતા વરસાદમાં ચટાકાના શોખીનોએ ચા-ભજીયા, સેવ-ઉસળની મજા માણી
શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના દ્રશ્યો નજરે ચડ્યા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વોટર લોગિંગની સમસ્યાને પગલે માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે ચટાકાના શોખિનોએ ચા-ભજીયા અને સેવ-ઉસળની લારીઓ ઉપર જઇ મજા માણી હતી.

Most Popular

To Top