SURAT

એન્જલ-કેન્ડલ હિલિંગ સહિતની વિવિધ થેરાપીઓ કૂલ રાખી રહી છે સુરતી યંગસ્ટર્સ અને મહિલાઓને

બીમારીમાં શરૂઆતમાં દવા લેવી ગમે પણ પછી તેનો કંટાળો આવે અને કેરલેસ થઇ જવાય. વળી, અત્યારે આપણું જીવન ખૂબ ઝડપી બની ગયું છે તેમાં માનસિક તાણ, બેચેની અને અન્ય બીમારીઓ- સમસ્યાઓ ઘેરી વળે છે. તેમાંથી રાહત માટે હવે સુરતના લોકો વિવિધ પ્રકારની હિલિંગ થેરાપી તરફ વળવા લાગ્યા છે. તેનાથી શરીરમાં નવી ઉર્જાનો અહેસાસ થાય છે. આ થેરાપીમાં મ્યુઝિક પણ સંભળાવવામાં આવે છે જેનાથી માનસિક શાંતિ મળે છે. આપણા પૂર્વજો આવી હિલિંગ પદ્ધતિથી ઉર્જાવાન બની રહેતા. પછી પશ્ચિમી લોકો તેના તરફ વળતા આપણે ફરી તેને અપનાવતા થયા. પ્રાણીક હિલિંગ, આર્ટ થેરાપી, મુદ્રા થેરાપી, ચક્ર બેલેન્સિંગ જેવી થેરાપી તરફ હવે યંગ સ્ટર્સ અને મહિલાઓ પણ વળવા લાગી છે તો ચાલો આપણે જાણીએ આ ટ્રેન્ડ વિશે….

યંગસ્ટર્સ એન્જલ થેરાપીમાં વધારે બિલિવ કરે છે
એન્જલ થેરાપીમાં નિષ્ણાત કવિતા લાપસીવાલાએ જણાવ્યું કે એન્જલ્સ એટલે ઈશ્વરીય દેવદૂત જે તકલીફમાં રાહત આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ કશે અટવાઈ જાય જેમકે, ટ્રેનમાં હોય અને પેટમાં દુઃખવા લાગે કે પછી પ્રેમમાં વિઘ્ન આવ્યું હોય ત્યારે આ થેરાપી કરનાર વ્યક્તિ ને તકલીફમાં પડનાર વ્યક્તિ જાણ કરે એટલે એન્જલ થેરાપી હિલર 8 પ્રકારના એન્જલ હોય તેમને પ્રાર્થના કરે અને પછી અટવાયેલી વ્યક્તિને રાહત મળે છે. આ 8 એન્જલ ક્રિસ્ટલ, માટી, કોપર, પ્લાસ્ટિકના ફોર્મમાં હોય છે. ખાસ તો યંગસ્ટર્સ લવ એફર્સમાં મડાગાંઠ હોય તો તેના ઉકેલ માટે આ થેરાપી કરાવે છે.

બાળકો નહીં થતા હોય તેવી મહિલાઓ ક્રિસ્ટલ થેરાપી અપનાવે છે
કવિતા લાપસીવાલા જણાવે છે કે જેમને જીવનમાં આગળ વધવું હોય અને જે મહિલાઓને ગાયનેક સ્કબંધિત પ્રોબ્લેમ હોય ખાસ કરીને બાળક નહીં થતું હોય તે આ થેરાપી કરાવે છે. આ ઉપરાંત માનસિક શાંતિ માટે આ થેરાપીમાં બોડીના અલગ અલગ પાર્ટ પર 7 ક્રિસ્ટલ મુકાય છે. આ ઉપરાંત ઘરમાં પીસફૂલ વાતાવરણ માટે, નેગેટિવિટી દૂર થાય પોઝિટિવિટી આવે તે માટે ક્રિસ્ટલ ગ્લાસ કે પછી ટ્રે, બોક્સના રૂપમાં મુકાય છે. ક્રિસ્ટલનું બ્રેસલેટ પહેરાય છે. ગર્ભાશયની ગાંઠમાં રાહત આપે છે.

ઓરા ક્લિનિંગ થેરાપીના ડિજિટલ મશીન પણ બજારમાં મળે છે
માઈગ્રેન હોય કે પછી શાંતિનો અહેસાસ નહીં થતો હોય ત્યારે તેમાં ઓરા ક્લિનિંગ થેરાપી રાહત આપે છે. હિલર તેમની હિલિંગ સ્ટીક, ડાઉઝિંગ, પેંડ્યુલમ, બાઉલ થેરાપી કે જેને સાઉન્ડ થેરાપી પણ કહેવાય છે તેનાથી ઓરા ક્લીન કરવામાં આવે છે (ઓરા એટલે શરીરનો પડછાયો કે પછી આભા) તે નેગેટિવિટી દૂર કરે છે આજુબાજુનું વાતાવરણ ક્લીન થાય છે. ઓરા ક્લિનિંગના હવે તો ડિજિટલ મશીન પણ બજારમાં મળે છે જોકે, તે મોંઘા હોય છે.

ડિપ્રેશન-ગાયનેક સહિતના પ્રોબ્લેમમાં રાહત માટે મહિલાઓ વધારે કરાવે છે વોટર થેરાપી
ડિપ્રેશનમાં રાહત, કેન્સરમાં લેવાતી કિમો થેરાપીમાં અને ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમમાં રાહત માટે વોટર થેરાપી વધારે તો મહિલાઓ કરાવે છે. તેમાં ડીસીઝી પીડાતી વ્યક્તિને ટ્રીટમેન્ટ માટે જે ક્રિસ્ટલ સુટેબલ હોય તે કાંચની બોટલમાં નાખવાના હોય છે અને તેને સનલાઈટમાં બે કલાક જેટલો સમય ચાર્જ કરી તે પાણી પીવાનું હોય છે. તેનાથી ધીરે-ધીરે 6 મહિને ફરક પડે છે પણ રિઝલ્ટ અવશ્ય મળે છે, જેમને ડૉકટર પાસે જઈને ઈલાજ કરાવવો મોંઘો પડે છે તે લોકો આ થેરાપી તરફ વળ્યા છે.

માનસિક તાણ દૂર કરવા, ધન અને લગ્ન યોગ માટે કેન્ડલ થેરાપી
અલગ અલગ કલરની કેન્ડલ થેરાપીથી તકલીફોનું સોલ્યુશન લાવવામાં આવે છે. જેમકે, નજર લાગી હોય તો બ્લેક કેન્ડલ સળગાવવાની, માનસિક તાણ દૂર કરવા માટે વ્હાઈટ કેન્ડલ, લવ સોલ્યુશન માટે ગુલાબી કેન્ડલ, ઝગડો મટાડવા માટે રેડ કેન્ડલ થેરાપી થાય છે. આવી કેન્ડલ્સ કપલના ફોર્મમાં કે પછી, ખોપડી કે એન્જલ્સના સ્વરૂપમાં હોય છે. જે વ્યક્તિના લગ્ન નહીં થતા હોય તે પિંક કેન્ડલ થેરાપી અપનાવે તો લગ્નના યોગ પણ બનતા હોય છે. ધનતેરસના દિવસે બાઉલ કેન્ડલ ધનનો યોગ બનાવે છે.

ચક્ર બેલેન્સ કરવા થાય છે કલર થેરાપી
ચક્ર થેરાપી નિષ્ણાંત ધર્મેન્દ્ર જરીવાળાએ જણાવ્યું કે શરીરમાં ગતિ નહીં હોય તો ટેન્શન, ડિપ્રેશનથઈ શકે વળી એન્ઝાઇટી ઘેરી વળે છે. જો ચક્રને બેલેન્સ કરવામાં આવે તો આ સમસ્યાઓમાં રાહત મળે. ચક્રને કલર થેરાપીથી કે ક્રિસ્ટલ થેરાપીથી બેલેન્સ કરી શકાય. આ થેરાપી માટે યંગસ્ટર્સ ખાસ કરીને આવે છે. સ્ટુડન્ટ્સને પરિક્ષાઓનું ટેન્શન હોય તેમને ગાઇડ કરાય છે.

વિવિધ પ્રકારની હિલિંગ થેરાપીની કોઈ સાઈડ ઇફેક્ટ નથી : કવિતા લાપસીવાલા
થેરાપી ્નિષ્ણાંત કવિતા લાપસીવાલા જણાવે છે કે, વિવિધ પ્રકારની હિલિંગ થેરાપી જેમકે ચક્ર બેલેન્સિંગ, સાઉન્ડ હિલિંગ, ટેરોકાર્ડ, રેકી, ન્યુમરોલોજી વગેરે 50 જેટલી થેરાપી છે જેમની કોઈ સાઈડ ઇફેક્ટ નથી જોકે, તે નિષ્ણાંત વ્યક્તિઓ પાસેથી, સારા હિલર પાસેથી કરાવવી જોઈએ. હવે તો યંગ સ્ટર્સ અને મહિલાઓ આ થેરાપી તરફ વળી રહી છે.

Most Popular

To Top