National

પીએમ મોદીએ કર્યું કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ઘાટન, નિર્માણ કરનાર કારીગરો સાથે ભોજન લીધું

વારાણસી: (Varanasi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સોમવારે બપોરે કાશી વિશ્વનાથ મંદિર (Tample) કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત હર-હર-મહાદેવ, હર-હર-મહાદેવ, નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવથી કરી હતી. પીએમએ સંતો, યુપીના મુખ્યમંત્રી યોગી (CM Yogi) આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર, અન્ય રાજ્યોના નેતાઓ તેમજ દેશના લોકોનો આભાર માન્યો હતો. આ પહેલા તેમણે ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું હતું તથા પૂજા કરી હતી. મોદીએ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ વડાપ્રધાને મંદિરના નિર્માણમાં શામેલ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું અને તેમની સાથે બેસીને ભોજન લીધું હતું.

પીએમ મોદીએ આ અવસરે કાશીના ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કર્યો હતો. તેમણે શિવાજી અને રાજા સુહેલદેવથી લઈને હોલ્કરના મહારાણી અને મહારાજા રણજીત સિંહના યોગદાનને પણ યાદ કર્યું હતું. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન બાદ સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે ત્રણ સંકલ્પ લેવા પણ જણાવ્યું હતું. પીએમએ પોતાના સંબોધનમાં સીએમ યોગીને કર્મયોગી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હું કાશીના કોટવાલ પાસેથી દેશના લોકો માટે આશીર્વાદ લઈને આવ્યો છું. તેમણે દેશ અને દુનિયાના એવા લોકોનો આભાર વ્યક્ત કર્યો જેઓ દૂર રહીને પણ આ ક્ષણના સાક્ષી છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે મારા માટે જનતા જ ભગવાન છે. આજે હું તમારી પાસેથી ત્રણ સંકલ્પો માંગું છું. પ્રથમ – સ્વચ્છતા, બીજું – નિર્માણ અને ત્રીજું – આત્મનિર્ભર ભારત માટે સતત પ્રયાસો.

પોતાના ઉદ્દબોધનમાં તેમણે કહ્યું કે મિત્રો આપણા પુરાણોમાં કહેવાયું છે કે કાશીમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિ તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. આજે બનારસમાં એવું લાગે છે કે બધા દેવતાઓ બાબાના ધામમાં આવી ગયા છે. મિત્રો આજે સોમવાર છે, ભગવાન શિવનો પ્રિય દિવસ. આજની તારીખ એક નવો ઈતિહાસ રચી રહી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આજે આપણે વિશ્વનાથ ધામનો વૈભવ લઈ રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાશી તો કાશી છે! કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેમના હાથમાં ડમરુ છે, તેમની સરકાર છે. મોદીએ કહ્યું કે જ્યાં ગંગા તેનો પ્રવાહ બદલીને વહે છે તે કાશીને કોણ રોકી શકે છે. ભગવાન શંકરે પોતે કહ્યું છે કે મારી ઈચ્છા વિના કાશીમાં કોણ આવી શકે છે, મોદીએ કહ્યું કે અહીં જે કંઈ થાય છે તે મહાદેવની ઈચ્છાથી જ થાય છે. આ જે પણ થયું છે તે મહાદેવે જ કર્યું છે.

Most Popular

To Top