National

વારાણસીમાં ભારે જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શો, કાલે નોંધાવશે ઉમેદવારી

લોકસભા ચૂંટણીના (Loksabha Election) ચોથા તબક્કામાં આજે મતદાન (Voting) થઈ રહ્યું છે ત્યારે બાકીની બેઠકો માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શો કર્યો હતો. 5 કિલોમીટર લાંબા પીએમ મોદીના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીના રોડ શો માટે દેશભરમાંથી લોકો વારાણસી પહોંચ્યા હતા. વારાણસીના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પીએમ મોદીએ પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તેમના રોડ શોની શરૂઆત કરી હતી.

પાંચ કિલોમીટર લાંબો રોડ શો બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ગેટ ઈન્ટરસેક્શનથી શરૂ થયો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BHUના સંસ્થાપક પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. રોડ શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર 4 પર સમાપ્ત થશે. આ માટે જિલ્લા પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ અવસરની ઉજવણી કરવા માટે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ દેશભરના વિવિધ રાજ્યોમાંથી લોકો વારાણસી પહોંચ્યા છે. રોડ શો બાદ વડાપ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે. આ પછી વડાપ્રધાન મોદી મંગળવારે સવારે 11.40 કલાકે ઉમેદવારી પત્ર ભરશે.

વારાણસીમાં રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો બાદ રાત્રે વારાણસીમાં રોકાશે. બીજા દિવસે મંગળવારે સવારે 10:15 વાગ્યે કાલ ભૈરવના દર્શન અને પૂજા કરશે. આ પછી સવારે 10:45 વાગ્યે NDA નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજકીય વાતાવરણ પર પણ ચર્ચા થશે. પીએમ મોદી 11:40 કલાકે ઉમેદવારી પત્ર દાખલ કરશે. આ પછી તેઓ 12:15 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.

પરંપરાગત પોશાકમાં સ્વાગત
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વારાણસીને સજાવવામાં આવી હતી. શહેનાઈ, શંખ નાદ, ઢોલના ધબકારા અને મંત્રોચ્ચાર વચ્ચે મોદીનો રોડ શો યોજાયો હતો. પીએમ મોદીના રોડ શોમાં લંકાના માલવિયા સ્ટેચ્યુથી કાશી વિશ્વનાથ ધામ સુધી ‘મિની ઈન્ડિયા’ની ઝલક રજૂ કરવામાં આવી હતી. તમામ રાજ્યોના લોકોએ પરંપરાગત પોશાકમાં પીએમનું સ્વાગત કર્યું હતું. ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકર મિશ્રાએ કહ્યું કે પીએમના નામાંકન પહેલા આયોજિત રોડ શોમાં કાશીના લોકોએ એક સાથે આવી વિવિધતામાં એકતાનો સંદેશ આપી પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Most Popular

To Top