સુરત: વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈકાલે તા. 15મી મે ને બુધવારના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર લખી વિદ્યાર્થી અને વાલીઓને આવકના દાખલા મેળવવામાં પડતી તકલીફનું નિવારણ લાવવા અપીલ કરી હતી. કલેક્ટરે પત્રને ધ્યાને લીધો કે નહીં તે તો ખબર નહીં પરંતુ લોકોની સમસ્યા દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણી આજે જ નાગરિક સુવિધા કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને કર્મચારી-અધિકારીઓને લોકો માટે સારું કામ કરવા સલાહ આપી હતી.
લેટર લખ્યાના બીજા જ દિવસે ધારાસભ્ય કુમાર કાનાણી આજે ગુરુવારે ઝોન ઓફિસ પહોંચી ગયા હતાં. લખેલા લેટરની કેટલી અસર થઈ તે જોવા કુમાર કાનાણી ખુદ સ્થળ પર ગયા હતાં. લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરાઈ છે. તેનું નિરીક્ષણ કર્યું હતું.
મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા હતાં. લોકોને તડકામાં મુશ્કેલી ન પડે તે માટે મંડપ પણ બાંધી દેવાયો હતો. સાથે જ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને જરૂરી સૂચન આપી લોકો સાથે વાતચીત પણ કરી હતી.
કુમાર કાનાણીએ કહ્યું કે, ધો. 10 અને 12ના રિઝલ્ટ બાદ આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે વાલી, વિદ્યાર્થીઓનો કચેરીઓ પર ધસારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને તડકામાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. તેઓને ઝડપથી દાખલા મળી રહ્યાં નથી તેવી ફરિયાદ મળી હતી. આ મામલે કલેક્ટરને પત્ર લખી લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી, તેની કેટલી અસર પડી તે જોવા આવ્યો છું. આજે હું જાતે સ્થળ પર આવ્યો છે.
કાનાણીએ કહ્યું કે, હું જોવા માંગતો હતો કે મારી રજૂઆતથી કોઈ ફરક પડ્યો છે કે નહીં? જોકે, વ્યવસ્થા થઈ છે. તડકામાં લોકોને ઉભા ન રહેવું પડે તે માટે મંડપ બાંધી દેવાયા છે. પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાની વિન્ડો ખોલવામાં આવી છે. મામલતદાર જાતે હાજર થયા છે. લોકોને ઝડપથી આવક અને જાતિના દાખલ મળે તે રીતે કામગીરી શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા રજૂઆત કરવામાં આવી અને તેના કારણે પરિસ્થિતિમાં સુધારો થયો, પરંતુ અન્ય કેન્દ્રોની સ્થિતિ હજી પણ યથાવત છે. કુમાર કાનાણીની જેમ શહેરના અન્ય વિસ્તારના ધારાસભ્યો ક્યારે પ્રજા હિતમાં કામ કરે છે તે જોવું રહ્યું.