SURAT

‘લોકો લુંટાઈ રહ્યાં છે, કંઈ કરો..’, વરાછાના ભાજપના ધારાસભ્ય કાનાણીએ કલેક્ટરને લખ્યો પત્ર

સુરત: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી એક્શન મોડમાં આવી ગયા છે. તંત્રમાં ચાલતી લાલિયાવાડી સામે અનેકોવાર બાંયો ચઢાવનાર કુમાર કાનાણીએ આ વખતે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે.

સુરતના વરાછાના ધારાસભ્ય અનેકોવાર સરકાર અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટ્રાચાર સામે પડતા રહે છે. કુમાર કાનાણી પોતાની વાત છડેચોક કહેવા માટે જાણીતા છે. ત્યારે આ વખતે કાનાણીએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચોંકાવી દીધા છે.

કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓ માટેની ચિંતા વ્યક્ત કરી છે. કાનાણીએ કહ્યું કે, એજન્ટોના હાથે વિદ્યાર્થી અને વાલીઓ લૂંટાઈ રહ્યાં છે ત્યારે કલેક્ટર વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવું જોઈએ. સામાન્ય લોકોને અડધી રાત સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, હાલમાં જ ધો. 10 અને 12ના પરિણામો જાહેર થયા છે. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે એડમિશન લેવાના હોય છે, તેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પુરી કરવી પડતી હોય છે. તે માટે વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થાય છે. પરંતુ સુરતના નાગરિક સુવિધા કેન્દ્રો પર એટલી ભીડ થાય છે કે લોકોને રાત્રિના બે વાગ્યાથી જ લાઈનમાં ઉભા રહેવું પડે છે. સિમિતી ટોકન આપવામાં આવતા હોવાથી લોકો હેરાન થાય છે.

આ તકનો લાભ એજન્ટો ઉઠાવી રહ્યાં છે. વિદ્યાર્થી અને વાલીઓની ગરજનો એજન્ટો ઉપાડી રહ્યાં છે. ઓપરેટરો સાથેની સાંઠગાંઠમાં પૈસા લઈ બે જ કલાકમાં એજન્ટો દાખલા કાઢી આપે છે. દર વર્ષે આવી જ સ્થિતિ નાગરિક સુવિધા કેન્દ્રો પર સર્જાતી હોય છે. તંત્રએ અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

Most Popular

To Top