સુરત: (Surat) સરથાણા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ (Medical Store) ઉપર દવા (Medicine) લેવા માટે ગયેલી યુવતી પર દાનત બગાડી મેડિકલ સ્ટોરના સંચલાકે હાથ પકડી શરીર ઉપર હાથ ફેરવી છેડતી કરી હોવાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ સરથાણા ખાતે શ્યામધામ ચોક પાસે વૈષ્ણવી મેડિકલ સ્ટોર્સ આવેલો છે. આ સ્ટોરના સંચાલક અતુલભાઈ કાનપરીયા સામે યુવતીએ સરથાણા પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. બુધવારે બપોરે આ વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય રેશ્મા (નામ બદલ્યું છે) મેડિકલ સ્ટોર્સ પર દવા લેવા માટે ગઈ હતી. દવાના 110 રૂપિયા થયા હતા. જોકે તે સમયે રેશ્મા પાસે 100 રૂપિયા જ હતા. જેથી તેણે અતુલને ‘10 રૂપિયા પછી આપી જાઉં છું’ તેમ કહ્યું હતું. એટલી વારમાં અતુલે તેનો હાથ પકડી લઈ શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો. રેશ્માએ તેનો હાથ ઝાટકી ત્યાંથી ભાગી ગઈ હતી.
શું બની હતી ઘટના?
નાના વરાછા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી ઘર નજીક સહજાનંદ રેસિડેન્સીમાં આવેલા વૈષ્ણવી મેડિકલ સ્ટોરમાં દવા ખરીદવા ગઈ હતી, ત્યારે દવા 110ની આવી અને તેની પાસે 100 રૂપિયા જ હતા. તેથી તેણીએ 10 રૂપિયા પછી આપી જવા દુકાનદારને કહ્યું હતું. દવા ખરીદવા ઉપરાંત સીમાએ સ્ટોર માલિક પાસે એક ફેસવોશ જોવા માંગ્યું હતું, જેની કિંમત 200 રૂપિયા હોય તેણીએ પરત કરી દીધું હતું. ફેસવોશ પરત કરતી વેળા સ્ટોરના માલિકે તેનો હાથ પકડી છાતી પર હાથ ફેરવવા માંડ્યો હતો. ત્યારે યુવતી હાથ છોડાવી પોતાના મોપેડ પર ઘરે જતી રહી હતી પરતી એકવાર સહન કરશે તો સ્ટોર માલિક વારંવાર આવું કરશે એવું વિચારી તે તેને સબક શીખવવા પરત ગઈ હતી. મેડીકલ સ્ટોર પર જઈ તેણીએ સ્ટોર માલિકના માથા પર કેલક્યૂલેટર મારી દીધું હતું. સ્ટોર માલિકે દવાના 100 ઉપરાંત 200 રૂપિયા આપી મોઢું બંધ રાખવા કહ્યું હતું, પરંતુ યુવતીએ ઘરે ફોન કરી કાકાને બોલાવી લીધા હતા. તમાશો થતાં લોકટોળું ભેગું થયું હતું અને ત્યાર બાદ મેડીકલ સ્ટોરના માલિક અતુલ ફૂલચંદ કાનપરિયા વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદમાં દાખલ કરાઈ હતી. પોલીસે અતુલની ધરપકડ કરી છે.