વાપી : રૂપિયા 45 લાખ દહેજની માંગણી કરી પરિણીતાને ત્રાસ આપનાર પતિ-દિયર અને સાસુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિણિતાએ બીજા લગ્ન કર્યા હતા અને તેનો પતિ ન્યુઝીલેન્ડ રહેતો હતો. પતિએ મોટી રકમની માંગણી કરી હતી જ્યારે નવસારીમાં સાસરીમાં રહેતી પરિણિતાને તેની સાસુ-દિયર માર મારતા હતા.
વાપીમાં રહેતી અને પ્રથમ લગ્ન વાપી ગુંજનમાં રહેતા રાજકોટના પરમાર પરિવારના યુવક સાથે થયા હતા અને તેના થકી તેને એક દિકરી છે. જે બાદ દંપતિ વચ્ચે અણબનાવ બનતા છૂટછેડા લઈ લીધા હતાં. પરિણીતા દિકરી સાથે વાપીમાં રહેતી હતી. જેથી પરિવારજનોની સમજાવટથી બીજા લગ્ન નવસારીના વિજલપોર અને હાલ ન્યુઝીલેન્ડમાં રહેતા પરમાર પરિવારના યુવક સાથે થયા હતાં. લગ્ન બાદ પતિ ન્યુઝીલેન્ડ જતા પરિણીતા નવસારી સાસરીમાં રહેતી હતી. જ્યાં સાસુ અને દિયર મ્હેણા-ટોણા મારી માર મારતા હતાં. ત્યારબાદ પતિને ન્યુઝીલેન્ડ લઈ જવાનું કહેતા તેઓએ પણ વિઝા મેળવવા માટે દહેજના રૂપિયા 45 લાખ માંગતાં બનાવ અંગે પરિણીતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પતિ-સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવી હતી.
વાપીન ગોકુળવિહારમાં રહેતા વિજયંતી બાલુ પટેલ (ઉં.આ.42)ના પ્રથમ લગ્ન ગુંજનમાં રહેતા રાજકોટના દિપેશ પરમાર સાથે થયા હતાં. પણ પતિ સાથે અણબનાવ બનતા છૂટાછેડા લીધા હતાં. પરિણીતા તેની 10 વર્ષીય દિકરી સાથે રહેતી હતી. પરિણીતાના પિતાનું અવસાન વર્ષ 2022માં થયા બાદ પરિવારજનોની સમજણથી બીજા લગ્ન કરવાનું વિચારી લગ્ન માટેની એપ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેમાં હાલ ન્યુઝીલેન્ડ અને મૂળ નવસારી જિલ્લાના વિજલપોરમાં રહેતા યુવરાજ શક્તિસિંહ પરમારની રીકવેસ્ટ આવતા તેઓ ન્યુઝીલેન્ડથી નવસારી આવ્યા હતા અને બાદમાં પરિણીતાને મળવા આવ્યા બાદ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતાં.
બાદમાં પતિ યુવરાજસિંહ ફરી ન્યુઝીલેન્ડ જતા રહ્યા હતાં. સાસુ શાંતાબેન અને દિયર નરેન્દ્રસિંહ પરિણીતા સાથે બોલાચાલી કરી દિયર આ દિકરીની જવાબદારી અમારી નથી, તું અહીંથી નીકળી જા.,કહી મ્હેણા-ટોણા મારી તેને મારતા પણ હતાં. આ બાબતે પતિ યુવરાજસિંહને કહેતા પણ તેઓ વાતને નકારી કાઢતા હતાં. જે બાદ પરિણીતાએ પતિને ન્યુઝીલેન્ડ લઈ જવાની વાત કહેતા તેણે વીઝાના રૂપિયા 45 લાખ દહેજમાં લાવી આપ કહેતા કંટાળેલી પરિણીતાએ દહેજ ભૂખ્યા સાસુ-પતિ અને દિયર સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.