Dakshin Gujarat

મા-દીકરી શાકભાજી લઈ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ધસમસતી ટ્રેન આવી અને…

વાપી : વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) નજીક રેલવે ઓવરબ્રિજની (OverBridge) નીચેથી વાપી ટાઉનમાંથી શાકભાજી (Vegetables) લઈને પરત ફરી રહેલી માતા તેમજ સાડા ત્રણ વર્ષની દીકરી હમસફર ટ્રેનની (Humsafar Train) અડફેટે (Train Accident) આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે માતાથી આગળ ચાલતી મોટી દીકરી રેલવે ટ્રેક ક્રોસ કરી લેતા તેનો બચાવ થયો હતો. વાપીના રેલવે ઓવરબ્રિજ નીચેથી પૂર્વ અને પશ્ચિમ તરફ આવતા-જતા ઘણાં લોકો રેલવે ટ્રેક ક્રોસ કરવામાં જીવ ગુમાવી ચૂક્યા છે. સોમવારે માતા-પુત્રીના કમકમાટીભર્યા મોતથી મૂળ ઝારખંડનો શાહ પરિવાર કલ્પાંત કરતો જોવા મળ્યો હતો.

  • વાપીમાં શાકભાજી લઈને પરત ફરી રહેલી મા-દીકરીનું ટ્રેન અડફેટે મોત
  • મોટી દીકરી આગળ નીકળી જતા બચી ગઈ, નાની દીકરી અને માતા હમસફર એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતમાં મોતને ભેટ્યા

વાપી રેલવે સ્ટેશનની નજીક રેલવે ઓવરબ્રિજ નીચેથી સોમવારે મૂળ ઝારખંડના માલાતોલાપદાહા ગામના વાપીના છીરી રામનગરમાં રહેતા વાપીની કંપનીમાં નોકરી કરતા દેવેન્દ્ર શાહની પત્ની 40 વર્ષની રીટાદેવી તેમજ સાડા ત્રણ વર્ષની પુત્રી રુધા ઉર્ફે રાધા વાપી ટાઉનમાંથી વાપી જીઆઇડીસી તરફ જવા રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે મુંબઈથી ઇંદોર તરફ જતી લીગમપાલી હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા બનાવ સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

રીટાદેવી તેમની બે પુત્રીઓ સાથે શાકભાજી ખરીદીને તેમના છીરી રામનગરના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રેલવે અકસ્માત નડ્યો હતો. રીટાદેવીએ તેની નાની દીકરી રાધાને તેની સાથે રાખી હતી. પરંતુ મોટી દીકરી શ્રૃતિ તેની આગળ ચાલતી હતી. જ્યારે રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા ત્યારે અચાનક હમસફર એક્સપ્રેસ ટ્રેન આવી જતા મા-દીકરી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જ્યારે મોટી દીકરી રેલવે ટ્રેક ક્રોસ કરી આગળ નીકળી જતા બચી ગઈ હતી. પોતાની નજર સામે જ માતા અને નાની બહેનને ટ્રેન નીચે કચડાતા જોઈને મોટી દીકરી ધ્રુજી ઉઠી હતી. તે સૂઝબુઝ ગુમાવીને ગુમસુમ થઈ ગઈ હતી. લાંબો સમય સુધી તેને સમજ જ નહોતી પડી કે શું થઈ ગયું છે.

આ બનાવ બાદ વાપી રેલવે પોલીસે મૃતદેહને વાપીના ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સોમવારે સાંજ થઈ જતા હવે મંગળવારે સવારે પીએમ કર્યા બાદ મૃતદેહનો કબજો તેમના પરિવારને સોંપવામાં આવશે. વાપી રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top