વાપી : સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) જનરલ ડબ્બામાં મોબાઈલમાં (Mobile) ઇ-ટીકીટ (E-Ticket) બતાવી મુસાફરી કરતા યુવકને પાલઘરથી વાપી સ્ટેશન (Vapi Station) વચ્ચે ટીકીટ ચેકીંગ સ્ટાફે ઝડપી પાડતા વાપી રેલવે પોલીસમાં (Police) ગુનો નોંધા આરોપી તુષાર કાંતીભાઈ સેલડિયાને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બોરીવલીથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં હેડકવાર્ટર ડિવીઝન ચીફ ટીકીટ ઇન્સ્પેકટર કાર્યાલયમાં સી.ટી.આઈ. ટીકીટ ચેકિંગ સ્ટાફમાં નોકરી કરતા વિનોદ વિશ્વનાથન પિલ્લઈ જનરલ ડબ્બામાં ચેકિંગ કરતા હતા. દરમિયાન પાલઘરથી વાપી વચ્ચે તુષાર સેલડિયાને ટીકીટ બાબતે પૂછતા તેણે મોબાઈલ ફોનમાં ઈ-ટીકીટ બતાવી હતી.
હાલમાં જનરલ ડબ્બામાં રિઝર્વેશન બંધ કર્યુ હોય પિલ્લઈને શંકા જતા તેની ઈ-ટીકીટ બાબતે પૂછતા પહેલા તુશારે એજન્ટ પાસે ૨૫૦માં ટીકીટ ખરીદી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વાપી રેલવે સ્ટેશન આવતા આરપીએફને જાણ કરી તેને વાપી સ્ટેશને ઉતારતા આરપીએફ સામે તુષારે જૂની ટીકીટને એડીટ કરી હોવાનું જણાવ્યું હતું. વાપી રેલવે પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ સુરતના પૂણા વિસ્તારમાં રચના સોસાયટી પાસે સી-૧૨૭ માતૃશકિત સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષના તુષાર સેલડિયા સામે ગુનો નોંધી અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આમ બનાવટી ઈ ટીકીટ ઉપર મુસાફરી કરતા સુરતનો યુવક પકડાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરામાં શ્રાવણ માસના મેળામાં ભાડે અપાતા પ્લોટમાં ગેરરીતિની ફરિયાદ
બીલીમોરા : બીલીમોરા શ્રાવણ માસમાં પાલિકાના રિઝર્વ પ્લોટની જાહેર હરાજીમાં જગ્યાની કિંમત રૂા.15 લાખ જેટલી મળે તેમ છતાં ન્યૂનતમ કિંમત 6 લાખમાં જ આપી દીધી હોવાનુ જણાવી એક બીજાના મેળાણીપણામાં પાલિકાને મોટુ આર્થિક નુકશાન પહોંચાડ્યું હોવાનું જણાવી તપાસ કરવા આરોગ્ય સમિતિના ચેરમેને પાલિકાના પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરી છે. બીલીમોરા નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન નરેશ બી. પટેલે પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી શ્રાવણ માસમાં પાલિકાના રિઝર્વ પ્લોટનાની જાહેર હરાજીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરી તપાસની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે શ્રાવણ માસમાં બીલીમોરા સોમનાથ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામા આવે છે. નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિર સાથે આવેલા ટી.પી. રીઝર્વ પ્લોટ (3264 ચો.મી.) સહિતના પ્લોટોની જાહેર હરાજી યોજવા કારોબારી સમિતિ ઠરાવ કરી અપસેટ કિંમત નક્કી કરી હરાજી યોજેલી હતી.
સોમનાથ મંદિર સાથેના 3264 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂા. 6 લાખ નક્કી કરવામાં આવેલી હતી. આ પ્લોટમાં વર્ષોથી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ શ્રાવણ માસના દુકાનોની ફાળવણી કરે છે. જ્યાં ટી.પી.સ્કીમ મંજુર થયા બાદ આ પ્લોટનો કબજો પાલિકાને સોંપ્યો નહીં હોવાના આક્ષેપ કર્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પાલિકાને અરજી આપીને આ જગ્યા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને ફાળવવા લેખિત અરજી કરેલી હતી. જ્યાં ટ્રસ્ટીએ રૂબરૂ હાજર રહી હરાજીમાં ભાગ લઈ રહેલાને પ્રભાવિત કરીને નીતિ નિયમ મુજબ જાહેર હરાજીની પ્રક્રિયાને પ્રભાવિત કરી હોવાનું જણાવ્યું છે. હરાજીમાં આ જગ્યાની કિંમત રૂા.15 લાખ કરતા વધુ મળે તેમ હોવા છતાં ન્યૂનતમ કિંમતથી હરાજી પૂરી કરી દીધી હોવાના આક્ષેપો કરી એક બીજાના મેળાણીપણામાં નગરપાલિકાને મોટુ નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી આ અંગે સ્થળ તપાસ કરવા પ્રાદેશિક કમિશ્નરને લેખિત આપ્યું છે.