વાપી: (Vapi) કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી તમામ ટ્રેનો (Train) ધીરે ધીરે પાટે દોડી રહી છે. ત્યારે હજુ પણ કેટલીક લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો બંધ હતી. જે હવે પુન: શરૂ કરવા રેલવે વિભાગે કમર કસી છે. જેમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે વધુ 3 લોકલ ટ્રેનો એક્સપ્રેસના (Express) નવા નામરૂપે દોડાવવા તૈયારી કરી લીધી છે. આ વધુ 3 લોકલ ટ્રેનો પહેલાની જેમ દરેક સ્ટેશને થોભશે, જેથી દરેક સ્ટેશનના યાત્રિકોને લાભ મળી શકે. જોકે, તેમાં ટિકિટનો દર મેઈલ-એક્સપ્રેસનો રહેશે. જે સામાન્ય જનતાને થોડો વધુ લાગશે. રેલવે વિભાગ (Railway Department) આમ બંધ કરાયેલી ટ્રેનોને ધીરે ધીરે ચાલુ કરવા જઈ રહ્યું છે. જેનો લાભ રોજીંદા પાસ હોલ્ડરો ઉપરાંત નજીકના ગામોમાં આવાગમન કરતા મુસાફરોને પણ થશે.
- બંધ કરાયેલી ટ્રેનો પાટે દોડતી થઇ, વધુ ત્રણ લોકલ એક્સપ્રેસ નવા નામે દોડશે
- વલસાડ-વડોદરા, અમદા.-મુંબઈ અને મુંબઈ-નંદુરબાર પહેલાની જેમ દરેક સ્ટેશને થોભશે
- રોજીંદા પાસહોલ્ડરોને રાહત, અન્ય મુસાફરોને પણ ફાયદો
રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોરોનાકાળ દરમિયાન બંધ કરાયેલી કેટલીક લોકલ ટ્રેનો પુન: શરૂ થઈ રહી છે. જેમાં વાપી-વલસાડથી સુરત, વડોદરા થઈ અમદાવાદ અને નંદુરબાર સુધી જવા માટે 3 લોકલ ટ્રેનને મંજૂરી મળી ગઈ છે. જે આગામી 6 જૂનથી શરૂ કરવામાં આવી રહી છે. આ ત્રણ ટ્રેનમાં વલસાડથી વડોદરા, મુંબઈથી અમદાવાદ અને મુંબઈથી નંદુરબાર ટ્રેનનો સમાવેશ થાય છે. કોરોનાકાળ પહેલા વલસાડથી સવારે 6 કલાકે અમદાવાદ જવા ઉપડતી અમદાવાદ પેસેન્જર લોકલ ટ્રેન હવેથી માત્ર વડોદરા સુધી જ જશે. ઉપરાંત અમદાવાદથી મુંબઈ સુધી જતી અમદાવાદ પેસેન્જર લોકલ ટ્રેન પણ તેના જૂના ટાઈમ પ્રમાણે બંને બાજુ દોડશે. વધુમાં મુંબઈથી રાત્રે ઉપડતી વિરમગામ પેસેન્જર ટ્રેનને હવેથી નંદુરબાર તરફ દોડાવાશે. આ ટ્રેન મુંબઈથી ઉપડી વાપી, વલસાડ, નવસારી ભેસ્તાન થઈ નંદુરબાર તરફ જશે, તે પણ તેના જૂના ટાઈમ પ્રમાણે દોડશે.
કઈ ત્રણ નવી લોકલ ટ્રેન એક્સપ્રેસના નવા નામ સાથે દોડશે
09161/62 વલસાડ-વડોદરા તા.06/06નો રોજથી દોડશે. આ ટ્રેન વલસાડથી સવારે 6 કલાકે ઉપડી બપોરે 12:15 કલાકે વડોદરા પહોંચશે. ત્યાંથી બપોરે 2:50 ઉપડશે અને રાત્રે 8:30 કલાકે વલસાડ આવી પહોંચશે.
19417/18 મુંબઈ-અમદાવાદ તા.06/06ના રોજથી દોડશે. આ ટ્રેન મુંબઈથી બપોરે 12:50 કલાકે ઉપડશે. સાંજે 5:45 વાગે વાપી અને સાંજે 6:50 વલસાડ થઈ વહેલી સવારે 3:05 કલાકે અમદાવાદ પહોંચી જશે. ત્યાંથી આ ટ્રેન રાત્રે 11:35 કલાકે ઉપડી સવારે 8:45 કલાકે વલસાડ અને 9:45 કલાકે વાપી પહોંચી બપોરે 2:55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
19425/26 મુંબઈ–નંદુરબાર તા.07/06ના રોજથી દોડશે. આ ટ્રેન મુંબઈથી રાત્રે 10:05 કલાકે ઉપડી રાત્રે 2:40 કલાકે વાપી અને 3:35 કલાકે વલસાડ પહોંચશે. વહેલી સવારે 5:10 કલાકે ભેસ્તાનથી ફંટાઈને નંદુરબાર તરફ જશે, જે સવારે 9:25 કલાકે નંદુરબાર પહોંચશે. નંદુરબારથી પરત આ ટ્રેન બપોરે 2 કલાકે ઉપડી સાંજે 6:30 કલાકે ભેસ્તાન, સાંજે 7 કલાકે નવસારી, રાત્રે 8:10 કલાકે વલસાડ, રાત્રે 8:53 કલાકે વાપી થઈ રાત્રે 12:50 કલાકે મુંબઈ પહોંચશે.