વાપી, નવસારી: (Vapi Navsari) દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છેલ્લા બે-ચાર દિવસથી ધુમ્મસીયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો યથાવત રહ્યા કરે છે. આકાશમાં છવાયેલા વાદળો કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા ઉભી કરી રહ્યા છે. તો બીજુબાજુ વહેલી પરોઢે ગુલાબી ઠંડી સાથે પડતો ઠાર પણ કચવાટ ઉભો કરી રહ્યો છે. વલસાડ અને વાપીના તાપમાનમાં (Temperature) રવિવારે લઘુત્તમ તાપમાન 17.5 અને મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે નવસારીમાં રવિવારે મહત્તમ તાપમાન વધુ 1 ડિગ્રી વધતા ગરમીમાં વધારો થયો હતો. જયારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું.
નવસારી જિલ્લામાં તાપમાન 2 દિવસમાં 2.5 ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ ફરી તાપમાનમાં વધારો થતા 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધી ગયું છે. જેથી લોકો દિવસે ગરમીમાં શેકાઈ રહ્યા છે. તો રાત્રી દરમિયાન થોડી ઠંડક વર્તાતા ગરમીથી રાહત મળે છે. આજે રવિવારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 37.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડતા 15.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી આજે દિવસે આકરો તાપ પડ્યો હતો.
રવિવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 72 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 39 ટકાએ રહ્યું હતું. આજે ફરી પવનોએ દિશા બદલતા દિવસ દરમ્યાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી કલાકે 3.9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે ભરૂચમાં મહત્તમ 38 અને લઘુત્તમ 19 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત તાપીમાં મહત્તમ 38 જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.
ક્યાં કેટલુ તાપમાન નોંધાયું
- જિલ્લો મહત્તમ લઘુત્તમ
- સુરત 36.7 22.2
- ભરૂચ 38 19
- તાપી 38 16
- નવસારી 37.5 15.5
- વલસાડ 34.5 17.5