વાપી: (Vapi) વાપીના એક વિસ્તારમાં રહેતી યુવતીને (Girl) પ્રેમજાળમાં ફસાવી લગ્નની (Marriage) લાલચ આપી વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. યુવતીની માતાની ફરિયાદ બાદ હરકતમાં આવેલી જિલ્લા પોલીસે યુવતી અને વિધર્મી યુવાનને ઈન્દોરથી ઝડપી પાડી વાપી લઈ આવી હતી. વાપીથી યુવતીને અજમેર અને બાદમાં ઈન્દોર લઈ જઈ તેની સાથે યુવકે ઈચ્છા વિરૂધ્ધ વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો. ધર્મપરિવર્તન કરાવી યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન પણ વિધર્મી યુવાને કર્યો હોવાની ચોંકવાનારી હકીકત બહાર આવતાં પોલીસે વિધર્મી વિરૂધ્ધ લવજેહાદનો (Love Jehad) પ્રથમ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં ચર્ચાના એરણે ચઢેલા આ કેસમાં રવિવારે એસપી પ્રદિપસિંહ ઝાલા અને વાપીના ડીવાયએસપી વી.એમ.જાડેજાએ પત્રકારોને વિગતે માહિતી આપી હતી. આ કેસમાં ગત 10મી જૂન 2021ના રોજ ભોગ બનનાર 19 વર્ષીય યુવતી ટાઉન વિસ્તારમાંથી ગુમ થઈ હતી. જે અંગે તેની માતાએ જાણવા જોગ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં જ્યારે યુવતી ગુમ થઈ હતી, તેજ દિવસે તેની બાજુમાં રહેતો વિધર્મી યુવક પણ ગુમ થયો હોવાનું જણાયું હતું. જેથી એસપી ડો.ઝાલા અને વાપી ડીવાયએસપી જાડેજાના માર્ગદર્શન મુજબ એસઓજી, એલસીબી તથા વાપી ટાઉન પોલીસે ટીમ બનાવી તપાસની ગતિ તેજ કરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસીસ તેમજ બાતમીના આધારે જાણવા મળ્યું કે, યુવતીને તેની બાજુમાં રહેતો વિધર્મી યુવક જ ભગાડી ગયો હતો. હાલ તેઓ ઈન્દોર હોવાનું જણાતા પોલીસે એક ટીમ ઈન્દોર મોકલી આપી હતી. સ્થાનિક પોલીસની મદદ લઈ વિધર્મી યુવાન અને યુવતીને ઝડપી પાડી બંનેને વાપી લઈ આવી હતી. વલસાડ જિલ્લા પોલીસે સખત મહેનત બાદ યુવતીને વિધર્મી યુવકના સકંજામાંથી હેમખેમ છોડાવી તેના પરિવારને સોંપી દીધી હતી. પોલીસે ઈમરાન અન્સારી વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 કલમ-4 તથા આઈપીસી કલમ 366, 376(2)એન., 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ વાપી ડીવાયએસપી વી.એમ.જાડેજા કરી રહ્યા છે.
યુવતી ન માને તો તેના ભાઈને મારી નાંખવાની ધમકી
વાપી લઈ આવ્યા બાદ યુવતીએ પોલીસ સમક્ષ સમગ્ર હકીકત જણાવતાં કહ્યું હતું કે, તેની બાજુમાં રહેતો આરોપી ઈમરાન વશી અન્સારી તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવા છેલ્લા ઘણા સમયથી દબાણ કરતો હતો. જો યુવતી ન માને તો તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.
ઈમરાન અન્સારી પરિણીત છતાં યુવતી સાથે ફરી લગ્ન કરવા ઈચ્છતો હતો
યુવતીએ પોલીસ સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, ઈમરાન અન્સારી પોતે પરિણીત હોવા છતાં યુવતીને ડરાવી ધમકાવી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાના ઈરાદે અજમેર અને ઈન્દોર લઈ ગયો હતો. ઉપરાંત ઈમરાન દ્વારા બળજબરી પૂર્વક લગ્ન કરવા પ્રયત્નો પણ કરાયા હોવાનું જણાવ્યું હતું. ઈમરાને યુવતીની ઈચ્છા વિરૂધ્ધ તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો.