વાપી: (Vapi) વાપીના છરવાડામાં રીલેશનશીપમાં (Relationship) રહેતી મહિલા ઉપર અજાણ્યા ત્રણ ઈસમે જ્વલનશીલ પદાર્થ ફેંકયો હતો. જે બનાવમાં મહિલાએ શંકા વ્યક્ત કરી પતિ સહિત બીજા ત્રણ ઈસમ સામે ડુંગરા પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.
- રીલેશનશીપમાં રહેતી મહિલા ઉપર પતિ સહિતના ચાર ઇસમે જવલનશીલ પદાર્થ ફેંકયો
- છરવાડામાં રહેતી મહિલાએ આપેલા રૂપિયા માંગતા ઝઘડો કર્યો, ચાર સામે ફરિયાદ
છરવાડાના ખોડિયારનગરની ચાલીમાં રહેતી સ્વાતિબેન રાજેન્દ્ર પાટીલ (ઉવ.આ.30) મૂળ મહારાષ્ટ્રના વતની છે. તે તેના બે બાળક સાથે રીલેશનશીપમાં સોહન રૂપસીંગ રાજપૂત (મૂળ.રાજસ્થાન) સાથે ચાલીમાં રહે છે. સ્વાતિની તબિયત ખરાબ હોવાથી જમવાનું સોહનસીંગે બનાવ્યું હતું, તે બાદમાં બાળકો સાથે જમી પરવારી રૂમનો દરવાજો બંધ કરી સૂઈ ગયા હતાં. રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ સ્વાતિના મોં તથા બંને હાથ ઉપર બળતરા થતા જાગી ગઇ હતી. તેનું મોં ઓશીકાથી દબાવી દેતા તેણે બૂમાબૂમ કરતા બંને બાળકો તથા પતિ પણ જાગી ગયા હતાં. તેની રૂમમાંથી ત્રણ અજાણ્યા ઈસમ ભાગતા બાળકોએ જોયા હતાં.
બાદમાં સ્વાતિએ ફોન કરતા તેનો ભાઈ ત્યાં આવી ગયો હતો. સોહનસીંગ તેના મિત્રને બોલાવી લાવું છું કહી નીકળી ગયો અને પરત ફર્યો ન હતો. બાદમાં ઈજાગ્રસ્ત સ્વાતિને તેના ભાઈએ મોપેડ પર બેસાડી વાપીની હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સેલવાસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્વલનશીલ પદાર્થને લઈ તે દાઝી ગઈ હતી. આ બનાવ અંગેની ફરિયાદ સ્વાતિબેને વાપી ડુંગરા પોલીસ મથકમાં પતિ સોહનસીંગ તથા અજાણ્યા ત્રણ ઈસમ સામે કરી હતી. પતિ સોહનસીંગ સાથે રીલેશનશીપમાં રહેતા હોય, મેં તેને રૂપિયા આપેલા હતા. તેનો હિસાબ માંગતા તે ઝઘડો કરતો હોય અને તે છોડવા માંગતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.