Dakshin Gujarat Main

યુવતીના પિતા પર આવ્યો ફોન, ‘તમારી દીકરી હેમખેમ જોઈતી હોય તો 30 લાખ લઈને આવી જાવો’

રૂ.30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માંગી ઉદવાડા ખાતે આપી જવા જણાવાયું હતું. ટાઉન પોલીસને આ મામલે જાણ કરાતા ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં પોલીસે હાઈવે પર બાઈકનો ફિલ્મીઢબે પીછો કરી એક પણ રૂપિયો આપ્યા વગર યુવતીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી હતી. પોલીસે 3 અપહરણકર્તાઓ પૈકી 2ને દબોચી એકને વોટન્ટેડ બતાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

અપહરણકાર અબ્દુલ સમદ ઈશ્તિયાક શેખ.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ટાઉન વિસ્તારમાંથી ગત 8મી ઓક્ટો.ના રોજ સાંજે 5 કલાકે એક યુવતીનું 3 ઈસમ દ્વારા ખંડણી માટે અપહરણ કરાયું હતું. આ ઈસમો દ્વારા રાત્રે યુવતીના મોબાઈલ પરથી તેના પિતાને ફોન કરાયો હતો. તમારી દીકરી હેમખેમ જોઈતી હોય તો રૂ.30 લાખ લઈને ઉદવાડા નજીક હાઈવે પર આવી જવા જણાવાયું હતું. યુવતીના પિતાએ તાત્કાલિક ટાઉન પોલીસ મથકના પીઆઈ બી.જે. સરવૈયાનો સંપર્ક કરતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

પીઆઈ સરવૈયાએ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતાં બનાવની ગંભીરતાને લઈ ઈન્ચાર્જ એસપી મનોજ શર્મા અને વાપી ઈન્ચાર્જ ડીવાય એસપી વી.એન.પટેલ વાપી દોડી આવ્યા હતા. તેઓએ એલસીબી, એસઓજી અને વાપી ટાઉન પોલીસની અલગ ટીમ બનાવી તપાસ આરંભી હતી. દરમિયાન મોડીરાત્રે ગણતરીના કલાકોમાં જ એક પણ રૂપિયાની ખંડણી આપ્યા વગર એલસીબી, એસઓજી અને વાપી ટાઉન પોલીસની ટીમે અપહરણકર્તાઓની મોટરસાયકલનો નેશનલ હાઈવે પર ફિલ્મી ઢબે પીછો કરી ઓપરેશન સફળ રીતે પાર પાડી યુવતીને આરોપીઓના કબ્જામાંથી હેમખેમ છોડાવી તેના પરિવારને સોંપી દીધી હતી.

અપહરણકાર તૌસીફ ઉર્ફે સોનુ સાજિદ ઘોરી.

પોલીસે આ બનાવમાં હાલ બે આરોપીને દબોચી લીધા હતા, જ્યારે એક વોન્ટેડ છે. વોટેન્ડ આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ઝડપાયેલા બે આરોપીઓની સઘન પૂછપરછ કરી તેઓના ગુનાહિત ઈતિહાસ બાબતે તપાસ શરૂ કરી છે.

અપહરણ કરનાર ઝડપાયેલા આરોપીઓ

  • 1-અબ્દુલ સમદ ઈશ્તિયાક શેખ રહે. કબ્રસ્તાન રોડ, વાપી
  • 2-તૌસીફ ઉર્ફે સોનુ સાજિદ ઘોરી રહે. કબ્રસ્તાન રોડ, વાપી
  • 3-મુરાદ રહે. પૂજા સોસાયટી, કબ્રસ્તાન રોડ, વાપી (વોન્ટેડ)

Most Popular

To Top