વાપી: (Vapi) વાપીના છરવાડામાં ગણેશનગરમાં રહેતા શાકભાજીની લારી ચલાવી વેપાર કરતા વેપારીને પૈસાનો (Money) વરસાદ (Rain) કરવવાના બહાને ત્રણ શખ્સોએ ૧,૬૨,૦૦૦ રૂપિયાની ઠગાઈ (Fraud) કરી હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં નોંધાઈ છે. લોભિયા હોય ત્યાં ધુતરા ભૂખે નહીં મરે એવી ઉક્તિને સાર્થક કરતો એક બનાવ વાપીના છરવાડામાં રહેતા શાકભાજીના વેપારી સાથે બન્યો છે.
વાપીના છરવાડામાં રહેતા ૨૮ વર્ષના પ્રતિકભાઇ છોટુભાઇ માહ્યાવંશી હરિયા હોસ્પિટલ રોડ ઉપર મંગલમૂર્તિ સોસાયટી સામે ફૂટપાથ પર શાકભાજીની લારી રાખીને શાકભાજીનો ધંધો કરે છે. દોઢેક વર્ષ પહેલા પ્રતિકભાઇને કમળો થઇ ગયો હતો. ત્યારે તેમણે પારડીના ખૂટેજના ચંદુભાઇ ભગત (ભુવા)ની દવા કરાવી હતી. પાંચેક દિવસ પહેલા તેમના છરવાડાના મિત્ર અશોક પટેલે જણાવ્યું હતું કે ચંદુભાઇ ભગતના ગામના અનિશ પાસે માણસો આવેલા છે જે પૈસાનો વરસાદ પાડવાનું કામ કરે છે. તેવું કહેતા પ્રતિકભાઇ લાલચમાં આવી ગયા હતા. તેમણે અશોક પાસે અનિશને ફોન કરાવીને કહ્યું કે, ‘અમારે પણ પૈસાનો વરસાદ કરાવવો છે. આવું કહેતા અનિશે ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણમાં રહેતા વિજય મોરીયાને મળવું પડશે. વિજયભાઇને મળ્યા ત્યારે વિજયભાઇએ ‘તમારી પાસે સાચા પૈસા કેટલા છે’ તે કહો તો કામ થાય તેવું કહેતા પ્રતિકભાઇએ એક લાખ રૂપિયા બતાવ્યા હતા. ત્યાં અનિશ તેમજ નરેશભાઇ પણ હતા. ત્યાર બાદ વિજયભાઇ અને નરેશભાઇ પૈસાનો વરસાદ કરવવા માટે અનાવલ હરીબાપુને લેવા જવું પડશે. તેવું જણાવતા અશોકભાઇની કારમાં ધરમપુરથી ત્રણે જણા અનાવલમાં સ્વામિનારાયણ સ્કૂલની નજીક નહેર પાસે હરીબાપુ મળ્યા હતા. તેમની સાથે એક શખ્સ હતો. હરીબાપુએ મારા માણસને પૈસા આપો તેવું કહેતા પ્રતિકભાઇએ ૧૧,૦૦૦ તેને આપ્યા હતા.
ત્યારબાદ ચારે જણ ઘરે પહોંચ્યા હતા. જ્યાં હરીબાપુએ કહ્યું હતું કે ‘બે પાણીની બોટલ, થોડા તુલસીના પાન, અડધો લીટર દૂધ તથા એક તાંબાનો લોટો આપો’. આ બધી વસ્તું પ્રતિકભાઇએ આપી હતી. હરીબાપુએ ઘરના રૂમમાં પૂજાની તૈયારી કરી બધાને રૂમમાં બોલાવ્યા હતા. હરીબાપુએ પૂજામાં પૈસા મૂકવા કહેતા પ્રતિકભાઇએ વિજય મોરીયાને રૂ. ૧,૫૧,૦૦૦ રોકડા પૂજામાં મૂકવા આપ્યા હતા. તે રૂપિયા પૂજાના લોટા સાથે હરીબાપુએ લઇને પ્રતિકભાઇને કહ્યું હતું કે, મને સ્મશાન ખાતે ચાલો. હરીબાપુ સાથે પ્રતિકભાઇ સલવાવ સ્મશાન ભૂમિમાં પહોંચ્યા હતા.
રાત્રે સાડા નવેક વાગ્યે ત્યાં પહોંચ્યા ત્યારે હરીબાપુએ પ્રતિકને કહ્યું કે નારીયેલ લાવવાનું રહી ગયું છે. હું સ્મશાનમાં બેઠો છું તુ નારીયેલ લેતો આવ. પ્રતિક તેના ઘરે નારીયેલ લેવા ગયો અને પાછો ફર્યો ત્યારે સ્મશાનભૂમિમાં ક્યાંય પણ હરીબાપુ જોવા મળ્યા ન હતા. તેથી પ્રતિકે ઘરે આવીને વિજયભાઇ અને નરેશભાઇને વાત કરી કે હરીબાપુ ક્યાંક ભાગી ગયો છે. તેથી મારા પૈસા આપી દો. વિજયભાઇએ ત્યારે કહ્યું હતું કે હરીબાપુ મારા થકી આવ્યો હતો એટલે તમારા બધા પૈસા આપી દઇશ. જોકે ત્યારબાદ પ્રતિકભાઇને તેના પૈસા નહીં મળતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા ડુંગરા પોલીસ મથકે ત્રણ ઇસમો સામે ફરિયાદ આપી હતી. પોલીસે હરીબાપુ, પાનસ ખૂટલીના નરેશ મંગુભાઇ પાડવી તથા ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણના વિજયભાઇ કાળુભાઇ મોરીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.