વાપી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી ઉત્સાહભેર શરૂ થયું છે. દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અહીં વાપીમાં ઈવીએમ ખોટકાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ જે બુથ પર વોટિંગ કરવા ગયા હતા ત્યાંનું જ ઈવીએમ ખોટકાયું હતું. નાણામંત્રી કનુ દેસાઈને જે બુથ પર મતદાન કરવાનું છે તેનું જ ઈવીએમ બંધ હતું. કનુ દેસાઈ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ ઈવીએમ ખોટકાયાને કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા. કનુભાઈ વાપીની જ્ઞાનધામ સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને આ કડવો અનુભવ થયો હતો. ઈવીએમ બદલ્યા બાદ મતદાન ફરી શરૂ કરાયું હતું. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કોમનમેનની જેમ લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું હતુ. મોકપોલ વખતે કુલ 30 બીયું 75 લીલી પેટ અને 72 સીયુ, માંડવીમાં 8 સીયુ અને મહુવા તથા કામરેજમાં 7 સીયુ બદલવા પડ્યા હતા.
ભરૂચ જિલ્લામાં બે કલાકમાં 4.57 ટકા મતદાન
ભરૂચ જિલ્લામાં પહેલાં બે કલાકમાં 4.57 ટકા મતદાન થયું છે. અંકલેશ્વરમાં 4.90 ટકા, ભરૂચમાં 4.86 ટકા મતદાન, જંબુસર 4.35 ટકા, ઝઘડીયામાં 4 ટકા અને વાગરામાં 4.70 ટકા મતદાન થયું છે. અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઇશ્વરસિંહ પટેલે કુડાદરા ગામ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
ભરત પટેલે વડીલોના આર્શીવાદ લઈ મતદાન કર્યું
વલસાડ: વલસાડ 179 ભાજપના ઉમેદવાર અને 2 ટાઈમ સુધી ભાજપ પાર્ટી સિમ્બોલ પર ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભરતભાઇ પટેલે તેમના મત વિસ્તાર પારનેરા પારડી શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું, ભરત પટેલે વડીલો ના આશીર્વાદ લઈ તેમના સમર્થકો સાથે મળી આજરોજ વહેલી સવારે 9 કલાકે મતદાન કર્યું હતું, સાથે નવા યુવા મતદાતાઓ ને મતદાન કરવા આહવાન કર્યું હતું અને મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી નો વલસાડ વિધાનસભા બેઠક પર જીત મળે તેવી આશા વ્યકત કરી હતી.
ગણપતસિંહ વસાવાએ પત્ની સાથે વોટિંગ કર્યું
વાંકલ: વાંકલમાં સવારે 8 વાગ્યેથી પ્રથમ તબક્કાનું મતદાનનો પ્રારંભ હતો. અહીં 156-માંગરોળ તાલુકામાં વિવિધ બુથો પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. ભાજપનાં ઉમેદવાર ગણપતસિંહ વસાવા પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વાડી ગામે પ્રાથમિક શાળા મતદાન મથકમાં મતદાન કર્યું હતું.