વાપી: ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી પોલીસે હવે ઇંગ્લિશ બનાવટના દમણીયા દારૂને બદલે દેશી દારૂની ભઠ્ઠીઓ (Country Brewery) પર રેડ પાડવાનું શરૂ કર્યુ છે. વાપીમાં તાજેતરમાં જ ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડ્યા બાદ ગુરુવારે વધુ ચાર દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે રેડ કરી ત્રણ મહિલા સહિત ચાર ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- વાપીના નામધામાં એક સાથે ત્રણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
- વંકાછ ગામમાં પણ ખેતરમાં દેશી દારૂની ભઠ્ઠી પોલીસે રેડ કરી ઝડપી પાડી
વાપી ટાઉનમાં નામધામાં ત્રણ દેશી દારૂની ભઠ્ઠી જયારે એક વંકાછ ગામમાં ઝડપાઈ છે. પોલીસે દારૂ બનાવવાની સાધન સામગ્રી તેમજ દેશી દારૂનો જથ્થો પણ સ્થળ પરથી કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. વાપી નામધા ગામમાં મોરા ફળિયામાં રહેતી આશાબેન અજયભાઈ પટેલના ઘરની પાછળના ભાગે પેજારીના ભાગે દેશી દારૂની ભઠ્ઠી પકડવામાં આવી હતી. નામધાના મોરા ફળિયામાં નર્મદાબેન સુભાસભાઈ ઠાકોરભાઈ પટેલના ઘરમાં પણ પેજારીમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી. જયારે નામધા ગામમાં તળાવ ફળિયામાં ગીતાબેન પ્રવીણભાઈ ગાંડાભાઈ પટેલના ઘરમાં પેજારીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી.
વાપી ટાઉન પોલીસે નામધામાં એક સાથે ત્રણ-ત્રણ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડતા ભારે ખળભળાટ મચી ગયો હતો. જયારે ડુંગરા પોલીસે વંકાછ ગામમાં કોપરલીથી વંકાછ જતા રોડ ઉપર રેવજી ફળિયામાં નાનાપુલથી દોઢેક કિલો મીટર દૂર મહેન્દ્રભાઈના ખેતરમાં કાચા ઝૂપડામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. ડુંગરા પોલીસની રેડ દરમિયાન મહેન્દ્રભાઈ હાજર નહીં હતો. ડુંગરા પોલીસે દેશી દારૂની ભઠ્ઠીની વિવિધ સાધન-સામગ્રી કબજે લઈ મહેન્દ્ર ગીરધરભાઈ બરજુલભાઈ ધો.પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ વાપી વિસ્તારમાં પહેલા ત્રણ દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડ્યાના ગણતરીના દિવસોમાં જ ફરી ચાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી ત્રણ મહિલા સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વેસ્મા પાસેથી ટેમ્પાના ચોરખાના અને લોખંડના ગોળાકાર પાઈપોમાંથી દારૂ પકડાયો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે ટેમ્પાના ચોરખાના અને લોખંડના ગોળાકાર પાઈપોમાંથી 42 હજારનો દારૂ મળી આવતા 2 ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ પાસે આવેલા હોલીડે હોમ ફાર્મ હાઉસની સામેથી એક બુલેરો પીકઅપ (નં. જીજે-15-વાયવાય-2711)ને રોકી તપાસ કરી હતી. જેમાં પોલીસને ટેમ્પામાં બનાવેલા ચોરખાના અને ડાલાને બંને બાજુ લગાડેલી લોખંડની ગોળાકાર પાઈપોમાંથી 42 હજાર રૂપિયાનો વિદેશી દારૂની 336 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે મૂળ રાજસ્થાન પાલી જિલ્લાના ખેરવા તાલુકાના આકડાવાસકલા ગામ અને હાલ વલસાડના વાપી તાલુકાના ચલાગામ ચીકુવાડી ખાતે આવેલા અક્ષર એપાર્ટમેન્ટમા રહેતા તુલશારામ ભીમારામ ચૌધરી અને વલસાડના પારડી તાલુકાના કોથરવાડી ગામે ઝરદા ફળીયામાં રહેતા વિશાલભાઈ રમેશભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે તુલશારામ અને વિશાલભાઈની પૂછપરછ કરતા વાપી ચલા ખાતેથી સુરતના કડોદરા ખાતે રહેતા રજુ ભૈયાના બે માણસોએ દારૂ ભરાવી આપી રાજુ ભૈયાને પહોંચતો કરવાનું કબુલતા પોલીસે રાજુ ભૈયા અને તેના બે માણસોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખનો પીકઅપ, 4 હજાર રૂપિયાનો મોબાઈલ અને 620 રૂપિયા રોકડા મળી કુલ્લે 5,46,620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.