વાપી: (Vapi) વાપીના સીએનજી પંપ (CNG Pump) પર ગઈકાલે ગેસ (Gas) ભરાવવા માટે આવેલી કારમાં જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. જેને લઈ આ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી. બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કારને ભારે નુકશાન થયુ હતું, લાઈનમાં પાછળ ઉભેલી અન્ય એક કારને પણ નુકશાન થયું હતું.
- સીએનજી કારમાં બ્લાસ્ટ થતા ગેસની ટાંકી ઉછળીને આગળના ભાગે આવી ગઈ
- વાપીના સીએનજી પંપ પર ગેસ ભરાવવા માટે આવેલી કારમાં જોરદાર બ્લાસ્ટ થયો
- કારમાં બ્લાસ્ટ થતા વિસ્તારમાં દોડધામ મચી, લાઈનમાં પાછળ ઉભેલી કારને પણ નુકશાન થયું
વાપીના સીએનજી પંપ પર ગઈકાલે સાંજે ગેસ ભરાવવા માટે કાર લઈને સંતોષ જાદવ આવ્યો હતો. નિયમ મુજબ ગેસ ભરાવતી વેળા કારમાંથી તેઓ ઉતરી ગયા હતા, જ્યારે પાછળ લાઈનમાં આવેલી કારવાળા પણ ઉતરી ગયા હતાં. કારમાં ગેસ ભરતી વખતે અચાનક જોરદાર ધડાકો થયો હતો. જેને લઈ સીએનજી પંપ પર કર્મચારીઓમાં અફરા-તફરીનો માહોલ સાથે ગેસ ભરાવવા આવનારા વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. કારમાં થયેલા જોરદાર ધડાકામાં ફીટ કરાયેલી ગેસની ટાંકી પણ ઉછળી આગળના ભાગે આવી ગઈ હતી. જેને કારણે કારના કાચ પણ તૂટી ગયા હતાં. તો બીજી તરફ પાછળ લાઈનમાં ઉભેલી કારને પણ નુકશાન થયું હતું. સદનસીબે કાર બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
વાપી રેલવે સ્ટેશને ભીડનો લાભ લઈ તસ્કર મોબાઈલ ચોરી ગયો
વાપી : સંઘપ્રદેશ દાનહના દાદરામાં આવેલી ચાલીમાં જયરામ રામસુંદર રાય (ઉં.38) પરિવાર સાથે રહે છે. તેની પત્ની અને બાળકો વતન જવાના હોય તેઓ વાપી રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતાં. ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ વચ્ચે તેઓને કોચમાં બેસાડી દીધા હતાં. જે અરસામાં તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ગાયબ થઈ ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ તેમણે વાપી રેલવે પોલીસ મથકમાં કરી હતી. વાપી રેલવે પોલીસે શંકાસ્પદ ઈસમ અર્જુનકુમાર શિવનારાયણ રાજભર (ઉં.23, રહે. સંજાણ, મૂળ યુપી) ની 41(1)ડી,102 મુજબ અટક કરવામાં આવી હતી અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન ચોરીનો હોવાનું અને પોલીસે તે ફોન મૂળ માલિકને બતાવતા તેમનો હોવાનું જણાવ્યુ હતું.