વાપી: (Vapi) વાપી ડુંગરાના એક ફલેટમાં બે લૂંટારૂએ (Robber) પહોંચી મહિલાને જણાવ્યું કે રફીકભાઈએ ચીકન મોકલ્યું છે, કહી ઘરમાં ધસી આવી ચપ્પુ વડે મહિલાને હાથની આંગળીમાં ઈજા પહોંચાડી તેણીએ પહેરેલું સોનાનું મંગળસૂત્ર-કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.50 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ લૂંટમાં સંડોવાયેલા મામા-ભાણેજ પૈકી એલસીબી ટીમે ભાણેજને સેલવાસથી ઝડપી પાડયો હતો. લૂંટમાં વાપરેલી મોપેડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ યુપી અને હાલ વાપી નજીકના ડુંગરા, દાદરા ચેકપોસ્ટ પાસે આવેલી પર્લ એવન્યુ બિલ્ડીંગમાં રાધા સુનિલભાઈ કહાર (ઉં.34) ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો (ઉં.આ. 25 થી 30) આવ્યા હતા અને સુનિલભાઈ માટે રફીકભાઈએ ચીકન મોકલેલ છે કહી ફલેટની અંદર આવી પહોંચ્યા હતા અને મહિલાના ગળાના ભાગે ચપ્પુ રાખ્યું હતું અને ત્યારબાદ હાથની આંગળી ઉપર ચપ્પુ મારી ઈજા પહોંચાડી કબાટ ખોલાવી ઘરેણાં-રૂપિયાની શોધખોળ કરાવી હતી જો કે, કબાટમાંથી કંઈ મળ્યું ન હતું. જેથી તેઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.50 હજારની લૂંટ કરી બંને ઈસમોએ ફલેટનો દરવાજો બહારથી બંધ કરી ભાગી છૂટયા હતાં. આ બનાવ બનતા રાધાબેને વાપી ડુંગરા પોલીસ સ્ટેશનમાં લૂંટ કરનારા અજાણ્યા બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બાતમી આધારે લૂંટના ગુનામાં સામેલ (1) આસીફ ઈલીયાસ શેખ (ઉં.25, રહે. ટોકરખાડા, સેલવાસ) ને મોપેડ સાથે પકડી પાડયો હતો. તેની પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે તેના સગા મામા (2) સોયેબ ઉસ્માન શેખ (રહે. દાદરા, દેમણી રોડ, સેલવાસ, મૂળ ઉમરસાડી, તા.પારડી) સાથે મળી ચપ્પુની અણીએ મહિલા પાસેથી મંગળસૂત્ર, કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. લૂંટમાં સામેલ મામો સોયેબ શેખ પોલીસ પકડથી દૂર રહ્યો છે. એલસીબી ટીમે લૂંટમાં વપરાયેલ મોપેડ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે કરી વાપી ડુંગરા પોલીસને સોંપ્યો હતો. પકડાયેલ આસીફ શેખ સામે સેલવાસ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ હતો.