વાપી: (Vapi) વાપીમાં ગોવિંદા કોમ્પલેક્ષ પાસે વડાપાઉંની દુકાનમાં કામ કરતા બે યુવકો એક્ટિવા ઉપર જતા હતા ત્યારે નેશનલ હાઈવે નં.૪૮ના (National Highway 48) સર્વિસ રોડ ઉપર યુપીએલના બ્રિજ (Bridge) પાસે સર્વિસ રોડ ઉપરના ખાડામાં એક્ટિવાનું ટાયર પડતા ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને જણા રસ્તા ઉપર પટકાયા હતા. જે પૈકી એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વાપીમાં ગોવિંદા કોમ્પલેક્ષની બાજુમાં સિલ્વર પોઈન્ટ બિલ્ડીંગમાં મનિષ વર્માની વડાપાઉંની દુકાનમાં કામ કરતા રાજુ અમરસિંહ નિસાદ તેમજ હરિયા પાર્કમાં બીજી દુકાનમાં કામ કરતો મૂળ યુપીનો ૨૮ વર્ષનો નસીમ ઉર્ફે સોનુ નિયાજ અહમદ એક્ટિવા ઉપર સરદાર માર્કેટમાં દુકાન માટે શાકભાજી લેવા માટે ગયા હતા. દરમિયાન નેશનલ હાઈવે નં.૪૮ ઉપર યુપીએલ બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર રસ્તાના ખાડામાં એક્ટિવાનું ટાયર પડતા એક્ટિવાના ચાલક રાજુ નિસાદે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને જણ રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં નસીમ ઉર્ફે સોનુ નિયાજ અહમદને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વાપી જીઆઈડીસી પોલીસે રાજુ નિસાદ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વેસ્મા ગામના ખેતરમાં પાણી વાળતા યુવાનનું અચાનક મોત
નવસારી : વેસ્મા ગામે ખેતરમાં પાણી વાળતા યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેસ્મા ગામે સડક ફળીયામાં રમેશભાઈ જેઠાભાઈ હળપતિ (ઉ.વ. 40) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 18મીએ રમેશભાઈ ગામમાં આવેલા પિયુષભાઈ ગુણવંતભાઈ પટેલના સીમલક વિસ્તારમાં આવેલા શેરડીના ખેતરમાં પાણી વાળવા ગયા હતા.
દરમિયાન સાંજે શેરડીમાં પાણી વાળતા-વાળતા રમેશભાઈ અચાનક જમીન પણ ઢળી પડ્યા હતા. જેથી સ્થળ ઉપર હાજર લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હેમંતભાઈ રાઠોડે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.