વાંસદા : વાંસદા (Vansda) ૧૭૭ વિધાનસભા બેઠક પર આજે ૨,૯૯,૬૨૨ મતદારો ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. વાંસદા બેઠક એ કોંગ્રેસનો (Congress) ગઢ કહેવાય છે. ત્યારે ભાજપ (BJP) આ બેઠક પર પોતનું કમળ ખીલવવા હંમેશા નિષ્ફળ રહ્યુ છે, ત્યારે આ વખતે ભાજપે વાંસદામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચુકેલા પિયુષ પટેલને ટિકિટ ફાળવી નવો જ ચહેરો પ્રજા સમક્ષ ઉતાર્યો છે. જેમાં પિયુષ પટેલને લોકોનો સારો પ્રતિસાદ મળતા જંગી બહુમતીથી જીતાડવાનો દાવો કરી રહ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા ગઈ ટર્મમાં ધારાસભ્ય તરીકે ૧૮,૦૦૦ જેટલી જંગી બહુમતીથી ચૂંટાઈ આવેલા અનંત પટેલને ફરી ટિકિટ ફાળવી હતી. અનંત પટેલ આદિવાસી વિસ્તારના લોકોની અનેક સમસ્યાઓને લઈને સરકાર સામે અવાજ ઉઠાવી ધરણાં – આંદોલનો કરી ન્યાય માટે હર હંમેશ લડતા આવ્યા છે. જેને લઇ આ વિસ્તારના આદિવાસીઓ ઉપર અનંત પટેલનું સારું એવું પ્રભુત્વ રહ્યું છે. જેને લઇ અનંત પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. જ્યારે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તેમના દ્વારા પણ વાંસદા બેઠક પર કબ્જો કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.
વાંસદા બેઠક પર સૌથી વધુ ધોડીયા અને કુંકણા જાતિના મતદારો હોવાથી તેમના ઉપર ત્રણેય પાર્ટીના ઉમેદવારોની નજર રહેશે. તેમજ આમ પાર્ટીએ પણ પહેલી વાર વાંસદા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારતા તેમના મતોને લઈ પણ વાંસદા વિધાનસભા બેઠકનું સમીકરણ ખુબજ રસપદ રહી શકે તેમ છે. વાંસદા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયા જંગને પગલે પરિણામ ખુબજ રસપદ જોવા મળશે. આમ વર્ષોથી કોંગ્રેસના ગઢમાં ફરીવાર અનંત પટેલ બાજી મારશે કે પછી ભાજપ પાર્ટીનો નવો ચહેરો પિયુષ પટેલ વાંસદામાં કમળની મોહર લગાવી કઈક નવુજ પરિણામ લાવશે. કે પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા પણ કંઇક નવું જ જોવા મળશે એ આજે ગણતરીના કલોકમાં ખબર પડશે.